જાહેર રજાઓના દિવસે સ્કૂલોમાં શિક્ષણ ચાલુ નહીં રાખવા ડીઈઓ કચેરીની તાકીદ
વડોદરાઃ વડોદરા શહેરમાં તાજેતરમાં જાહેર રજાના દિવસે સ્કૂલો ચાલું રાખવામાં આવી હોવાના કારણે થયેલા ઉહાપોહ બાદ ડીઈઓ કચેરીએ આ મુદ્દે સ્કૂલો સામે લાલ આંખ કરી છે.
આજે રાજ્ય સરકારે પરશુરામ જયંંતીની રજા જાહેર કરી હતી.જોકે રજાના આગલા દિવસે એટલે કે તા.૨૮ એપ્રિલ, સોમવારે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને વોટસએપ ગુ્રપમાં મેસેજ પાઠવીને તાકીદ કરવામાં આવી હતી કે, જાહેર રજાના દિવસે કોઈ પણ સ્કૂલમાં શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ નહીં.તેની સાથે સાથે ડીઈઓ કચેરી દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલી આખા વર્ષની રજાઓની એક યાદી પણ વોટસએપ ગુ્રપમાં સ્કૂલોને મોકલવામાં આવી હતી.
ગુજરાત બોર્ડની સ્કૂલોમાં તો વેકેશન હોવાથી શિક્ષણ એમ પણ બંધ થઈ ગયું છે.જોકે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલો ચાલુ છે અને આ લિસ્ટ મોકલવામાં આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડની કેટલીક સ્કૂલોએ પૂર્વ સંધ્યાએ રજા જાહેર કરી હતી.આ અંગે સ્કૂલો દ્વારા વાલીઓને વોટસએપ ગુ્રપ અને બીજા સોશ્યલ મીડિયા થકી જાણકારી મોકલવામાં આવી હતી.
તાજેતરમાં ડીઈઓએ બોલાવેલી શાળા સંચાલકોની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવાયો હતો અને સ્કૂલોને જાહેર રજાના દિવસે શિક્ષણ ચાલુ નહીં રાખવાની અને જો શિક્ષણ ચાલુ રાખવું હોય કે એક્સ્ટ્રા ક્લાસ લેવા હોય તો વાલીઓની મંજૂરી લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.