Gujarat

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે

By GS TEAM
23 Jul 20251 min read
10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે

વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષામાં ૧૦ ટકા કરતા ઓછું પરિણામ આવ્યું હોય તેવી સ્કૂલોનું પરિણામ સુધારવા માટે તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.આ માટેની રુપરેખા રાજ્ય સરકારની સૂચનાથી ડીઈઓ કચેરી દ્વારા તૈયાર કરાઈ છે.વડોદરામાં આવી ચાર સ્કૂલો છે.

આવી સ્કૂલો પર ડીઈઓ કચેરીના વર્ગ બેના અધિકારીઓ નજર રાખશે તેમજ તેની મુલાકાત લેશે.વિદ્યાર્થીઓના વધારાના વર્ગો લેવામાં આવશે તેમજ સ્કૂલોના શિક્ષકોને જરુર પડે તો ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે તેવી સ્કૂલોના શિક્ષકો માર્ગદર્શન આપશે.આ સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે.

ડીઈઓ મહેશ પાંડેના કહેવા પ્રામણે વડોદરામાં જે ચાર સ્કૂલોનું પરિણામ ૧૦ ટકા કરતા ઓછું છે તેમાં ધો.૧૦માં કરજણ તાલુકાની એન ટી પટેલ સાર્વજનિક સ્કૂલ, વાઘોડિતા તાલુકાના ખટંબાની સી એન પરમાર ગુરુકુળ વિદ્યાલય તેમજ ધો.૧૨ સાયન્સમાં પાદરાની ગીતાંજલી સ્કૂલ તથા વાઘોડિયા રોડ પરની બાપોદ પાસેની એસએસવી સ્કૂલનો સમાવેશ થાય છે.