વડોદરાઃ વડોદરાના હરણી વિસ્તારના લેક ઝોનમાં સર્જાયેલી બોટ હોનારતમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યાના બે વર્ષ બાદ પહેલી વખત સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી છે.
શિયાળાની સિઝનમાં સામાન્ય રીતે સ્કૂલો વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરતી હોય છે.જોકે ૨૦૨૪માં લેક ઝોનમાં બોટ ઉંધી વળી જવાના કારણે બાળકોના મોતથી હાહાકાર સર્જાયો હતો અને એ પછી પ્રવાસના નિયમો વધારે આકરા બનાવાયા હતા.સ્કૂલોએ પણ શૈક્ષણિક પ્રવાસો ટાળી દીધા હતા.
જોકે ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે શહેર જિલ્લાની ૧૮૬ જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ પ્રવાસના આયોજનની જાણકારી આપી છે.નવા નિયમ પ્રમાણે હવે ડીઈઓ કચેરીમાં સ્કૂલોએ જાણ જ કરવાની હોય છે.આ ૧૮૬ પૈકીની ૫૦ ટકા જેટલી સ્કૂલોએ બહારગામના પ્રવાસોનું આયોજન કર્યું છે.સૌરાષ્ટ્ર તરફના પ્રવાસોનું આયોજન કરનાર સ્કૂોલની સંખ્યા પણ નોંધપાત્ર છે.ઉલ્લેખનીય છે કે, નવા નિયમો પ્રમાણે સ્કૂલોએ પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીને સાથે રાખવા તેમજ સ્થાનિક પોલીસ મથકને જાણ કરવી ફરજિયાત છે.પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હોય તો મહિલા પોલીસને પણ સાથે રાખવા માટે આદેશ કરાયો છે.


