જાતીય સતામણી અટકાવવા સ્કૂલોને આંતરિક ફરિયાદ સમિતિ બનાવવા સૂચના
વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાની તમામ માધ્યમિાક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવાનો આદેશ ડીઈઓ કચેરી દ્વારા આપવામાં આવ્યો છે.
સ્કૂલોને પાઠવવામાં આવેલા પરિપત્રમાં ડીઈઓ કચેરીએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે આપેલા આદેશનું અસરકારક રીતે અમલીકરણ કરવા માટે અને કાયદાનું મોનિટરિંગ કરવા માટે શી બોક્સ પોર્ટલ લોન્ચ કર્યું છે.જેના ભાગરુપે જે પણ સ્કૂલમાં ૧૦ કરતા વધારે કર્મચારીઓ કામ કરે છે તે સ્કૂલમાં આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી ફરજિયાત છે. જે સ્કૂલ આ પ્રકારની સમિતિ ના બનાવે તેને ૫૦૦૦૦ રુપિયાના દંડની જોગવાઈ છે.આમ તમામ સ્કૂલોએ આંતરિક સમિતિ બનાવીને તેની જાણકારી ડીઈઓ કચેરીને આપવાની રહેશે.વડોદરાના એક આચાર્યે કહ્યું હતું કે, મહિલા કર્મચારીઓ, શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થિનીઓની સાથે પણ જાતીય સતામણી થશે તો તેની ફરિયાદ આ સમિતિને કરી શકાશે અને તેમાં સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.પરિપત્રમાં કમિટિનું માળખું કેવું હોવું જોઈએ તેની સ્પષ્ટતા નથી કરાઈ પણ આ કમિટિમાં આચાર્ય, વરિષ્ઠ શિક્ષક તેમજ મહિલા શિક્ષકોને સ્થાન આપવાનું હોય છે.સામાન્ય રીતે પાંચ સભ્યોની કમિટિ બનાવવાની હોય છે.કમિટિ દ્વારા જાતીય સતામણીના કિસ્સાની તપાસ કરવામાં આવશે અને કમિટિના રિપોર્ટના આધારે સ્કૂલ કાર્યવાહી કરશે.