દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન
Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવાનું વિસરી ગઈ છે તો બીજી તરફ જિલ્લા કક્ષા અને દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય અને જિલ્લા સ્તરે સન્માન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઉજવેલો શિક્ષક દિવસ વિવાદનું કેન્દ્ર બની ગયો હતો. સુરત શિક્ષણ સમિતિએ 185 જેટલા નિવૃત્ત અને અન્ય શિક્ષકોનું સન્માન કર્યુ છે પરંતુ ભૂતકાળમાં શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરતા હતા તે પ્રણાલી હાલ સ્થગિત જોવા મળી રહી છે. જોકે, સમિતિ શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવાનું વિસરી ગઈ છે પરંતુ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરી તેમનું સન્માન કરી એવોર્ડ આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પન્નાલાલ પટેલ શાળાના આચાર્ય દર્શના શાહને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે શહેરના ઉતરાણ વિસ્તારની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા, શાળા ક્રમાંક-334મા આચાર્ય ચેતન હીરપરાને એવોર્ડ જાહેર કરાયો હતો. અમદાવાદ ટાગોર હોલ ખાતે આયોજિત 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ માં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક તરીકેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ચેતન હીરપરા પોતાની શાળામાં પરત ફર્યા હતા ત્યારે વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમનું ફુલહાર અને વિવિધ પ્રકારે સન્માન કર્યું હતું.
શાળા કેમ્પસમાં સુદામા સાઇકલ યોજના, સ્વેટર સંજીવની યોજના, મુષ્ટિધાન યોજના જેવા પ્રયોગોથી બાળકોમાં નૈતિકતા અને રાષ્ટ્ર માટેના સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આ ઉપરાંત આજના સમયમાં બાળકો મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહે છે ત્યારે બાલગોકુલમ્ યોજના દ્વારા તેઓને આ વ્યસનથી દૂર રાખવા માટે શાળામાં વાલી-માતાઓને રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવા અનેક પ્રયોગોના કારણે તેમને સન્માન આપવામાં આવ્યું છે.