Get The App

સ્કૂલોમાં શુગર બોર્ડની જરુર હતી જ, 21 ટકા બાળકોની રોજ ચોકલેટ ખાતા હોવાની કબૂલાત

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
સ્કૂલોમાં શુગર બોર્ડની જરુર હતી જ,  21 ટકા બાળકોની રોજ ચોકલેટ ખાતા હોવાની કબૂલાત 1 - image

વડોદરાઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ  સેકન્ડરી એજ્યુકેશનની સ્કૂલો બાદ તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડની સ્કૂલોમાં પણ શુગર બોર્ડની સ્થાપના કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.કારણકે બાળકોના ભોજન અને નાસ્તામાં ખાંડનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ રહ્યું છે.

એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના અગાઉ થયેલા બે સ્ટડી પણ દર્શાવી રહ્યા છે કે, સ્કૂલોમાં  બાળકોને વધારે ખાંડ નહીં ખાવાની જાણકારી આપવા શુગર બોર્ડ જેવી પ્રવૃત્તિ હાથ ધરવાની જરુરિયાત હતી જ. ૨૦૨૦માં વિભાગના અધ્યાપક ડો.સ્વાતિ ધુ્રવના માર્ગદર્શન હેઠળ સુમન ગોસાવી નામની વિદ્યાર્થિનીએ એક સ્ટડી કર્યો હતો.જેમાં ૩ ખાનગી સ્કૂલના ધો.૬ થી ૮ના ૪૧૮ બાળકોની ખાન-પાનની પધ્ધતિની જાણકારી મેળવવામાં આવી હતી.

આ સર્વેમાં બહાર આવ્યું હતું કે, ૨૧ ટકા  બાળકો રોજ અને ૧૮ ટકા બાળકો સપ્તાહમાં એક વખત ચોકલેટ ખાતા હતા.સપ્તાહમાં એક વખત આઈસક્રીમ ખાનારા બાળકોની સંખ્યા ૨૦ ટકા અને સપ્તાહમાં ચાર થી પાંચ વખત આઈસક્રીમ ખાનારા બાળકોની સંખ્યા ૧૨ ટકા જેટલી હતી.૮ ટકા બાળકો દર સપ્તાહે અને ૧૭ ટકા બાળકો દર દર મહિને એક વખત સોફ્ટ ડ્રિન્ક પીતા હતા.૧૬ ટકા બાળકોએ મહિનામાં એક વખત અને ૬ ટકાએ સપ્તાહમાં એક વખત જલેબી ખાતા હોવાનું કહ્યું હતું.૧૫ ટકા બાળકોના ભોજનમાં દર સપ્તાહમાં એક વખત કેચ અપ અને ૯ ટકાના ભોજનમાં સપ્તાહમાં એક વખત જામનો સમાવેશ થતો હતો.

૬ વર્ષ સુધીના ૮૦ ટકા બાળકોના નાસ્તામાં પણ બિસ્કિટ ટોસ્ટ અને ખારીનો સમાવેશ

૨૦૨૩માં  વિભાગના અધ્યાપક ડો.શ્રૃતિ કાંટાવાલાના હાથ નીચે વિશ્વા કલસરિયાએ ૬ વર્ષ સુધીની વયના ૪૦૦ બાળકનો એક સર્વે કર્યો હતો.જેમાં જાણવા મળ્યું હતું કે, ૮૦ ટકા બાળકો રોજ બિસ્કિટ, ટોસ્ટ અને ખારી જેવા નાસ્તા ખાતા હતા.ઉપરાંત ૯૦ ટકા બાળકો સપ્તાહમાં ઓછામાં ઓછી એક વખત  ચોકલેટ અને ગોળી(કેન્ડી) ખાતા હતા.૩૬ ટકા બાળકો એવા હતા મહિનામાં એક વખત ઘરમાં બનેલી મીઠાઈ ખાતા હતા તો ૬ મહિના કે તેથી વધારે વયના બાળકો ક્યારેક પેસ્ટ્રી, આઈસક્રીમ, કેક અને સ્વીટ રોલ જેવી વાનગીઓનો સ્વાદ માણતા હતા.

પેકિંગમાં મળતા ફૂડ અને ડ્રિન્કના લેબલ પર એડેડ શુગર ખાસ વાંચવુ જોઈએ 

ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના અધ્યાપક ડો.સ્વાતિ ધુ્રવ કહે છે કે, બાળકોના ભોજનમાં ખાંડનું પ્રમાણ વધે નહીં તે માટે સૌથી વધારે કાળજી વાલીઓએ રાખવી જોઈએ.જેમ કે

પેકેજ્ડ ફૂડ અને ડ્રિન્કના લેબલ પર એડેડ શુગરની જાણકારી પર ખાસ ધ્યાન આપવું જોઈએ.શુગરને અન્ય નામોથી પણ લેબલ પર દર્શાવાતી હોય છે.

બાળકોને ફ્લેવર્ડ મિલ્ક, સોફટ ડ્રિન્ક, ખાંડ ભેળવેલા જયુસની જગ્યાએ સાદુ દૂધ, પાણી અને ખાંડ ના હોય તેવા ડ્રિન્ક પીવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

શક્ય હોય તો ઘરના નાસ્તા બાળકોને આપવા જોઈએ.ઘરમાં બનેલી વાનગીઓમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે.

દાંત અને હૃદય માટે જોખમ, સ્થૂળતાની સમસ્યા 

સંશોધકો કહે છે કે, નાસ્તા અને ભોજનમાં ખાંડના વધારે પડતા પ્રમાણથી બાળકોને નીચેની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

દાંત સડવાની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. 

ખાંડના વધારે પડતા સેવનથી વજન વધી શકે છે.બાળકોમાં સ્થૂળતા આવી શકે છે.શહેરોમાં આ મુદ્દો ચિંતાનો વિષય બની રહ્યો છે.

વધારે પડતી ખાંડના કારણે કોલેસ્ટ્રોલ વધી શકે છે.હૃદય માટે જોખમ ઉભુ થાય છે.ભવિષ્યમાં સર્જાનારી સ્વાસ્થ્યની સમસ્યાઓનો સ્કૂલમાંથી જ પાયો નંખાય છે.


Tags :