વડોદરામાં સ્કૂલ બસની બ્રેક ફેલ થતાં વીજ થાંભલા સાથે અથડાઈ, મોટો અકસ્માત ટળ્યો
Vadodara Accident : વડોદરામાં કારેલીબાગના રક્ષિત કાંડ બાદ અકસ્માતોની વણઝાર યથાવત છે. આજે બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ.
બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને બીજા વાહનો સાથે અથડાતી અટકાવવા માટે ઇલેક્ટ્રિક થાંભલામાં ભટકાવી દીધી. આના કારણે બસ રોકાઈ ગઈ અને મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં અન્ય વાહનો અડફેટમાં આવતા બચી ગયા હતા.
બસમાં સવાર 10 જેટલા વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેમને તાત્કાલિક અન્ય વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સદભાગ્યે, આ ઘટનામાં કોઈને પણ ગંભીર ઈજા થઈ ન હતી. આ બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ફરી એકવાર વાહનવ્યવહારની સલામતી અને ખાસ કરીને સ્કૂલ બસોના મેઈન્ટેનન્સ પર ગંભીર સવાલો ઉભા કરે છે.