Gujarat

સમારકામ માટે લાખોના ખર્ચ બાદ સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય

By GS TEAM
24 Jun 20251 min read
સમારકામ માટે લાખોના ખર્ચ બાદ સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય

વડોદરાઃ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લોકમાન્ય  ટિળક પ્રાથમિક સ્કૂલનું તાજેતરમાં લગભગ સાત લાખ રુપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું.હવે સમિતિના સત્તાધીશોએ સ્કૂલ  પર જોખમ હોવાના કારણે  તેને તોડી પાડીને નવી સ્કૂલ બનાવવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયના પગલે શિક્ષણ સમિતિની કામગીરી પર પણ સવાલો  ઉભા થયા છે.સ્કૂલનું સમારકામ શરુ કરતા પહેલા સોઈલ ટેસ્ટ કરાવવાની જરુર હતી.તેની જગ્યાએ સત્તાધીશોએ સમારકામ પૂરુ થયા બાદ સોઈલ ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં સ્કૂલની ઈમારત પર જોખમ હોવાનું બહાર આવ્યું હતું.આમ સ્કૂલના સમારકામ માટે કરાયેલો ખર્ચ માથે પડયો છે.

આ વિસ્તારના સમાજીક કાર્યકરે મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માગ કરવાનું પણ નક્કી કર્યું છે.કાર્યકરનું કહેવું છે કે, જો સ્કૂલ જમીન દોસ્ત કરવાની હતી તો તેની પાછળ ખર્ચ કેમ કરવામાં આવ્યો?સમગ્ર મામલામાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.

આ સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રથી ભણાવવાનું પણ શરુ કરી દેવાયું હતું.જોેકે સ્કૂલના બિલ્ડિંગ પર જોખમ હોવાના કારણે  બાળકોનું અન્ય સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.સમિતિના સત્તાધીશોનું કહેવું છે કે, બાળકોના હિતમાં સ્કૂલ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે.તેની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવવાના પ્રસ્તાવને સરકારની મંજૂરી પણ મળી ગઈ  છે.