સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા ઝાપટાંનો દોર યથાવતઃ વધુ 3 ઈંચ સુધીની મેઘમહેર
એક મહિનાથી ધૂંપછાંવનો માહોલ : સાવરકુંડલાનાં મોટા ભમોદરા ગામે ઉપરવાસના વરસાદથી એકાએક નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં એક મહિનાથી ધૂંપછાંવનો માહોલ યથાવત રહ્યો છે અને આજે શનિવારે પણ છૂટા-છવાયા ઝાપટાં વચ્ચે વધુ બે ઈંચ સુધીની મેઘમહેર વરસી હતી. જેમાં સાવરકુંડલાનાં મોટા ભમોદરા ગામે ઉપરવાસના વરસાદથી એકાએક નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું હતું અને સદનશીબે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો.
રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાંયું વાતાવરણ રહ્યા બાદ સાંજે જોરદાર વરસાદી ઝાંપટાથી માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. બીજી તરફ આજે ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં ધોધમાર દોઢ ઈંચ, ગીરગઢડામાં 1 ઈંચ તથા કોડીનારમાં અડધો ઈંચ અને તેના ડોળાસા ગામે 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ જ રીતે આજે મોરબી જિલ્લામાં હળવા-ભારે ઝાપટા વચ્ચે હળવદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જૂનાગઢ, બગસરા, જાફરાબાદમાં અડધો ઈંચ તો લાઠી, માળિયા હાટીના, તાલાલા, ખાંભા, માંગરોળ, વેરાવળ, ભાણવડ, અમરેલી, સુત્રાપાડા, લાલપુર, વંથલીમાં પણ ઝાંપટાએ માર્ગો ભીના કર્યા હતા.
અમરેલી જિલ્લામાં આજે અમુક ગ્રામ્ય અને જંગલ વિસ્તારોમાં ધોધમાર બે-ત્રણ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. પરિણામે નદી-નાળામાં પૂર આવ્યા હતા. આ દરમિયાન સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે સ્થાનિક નંદીમાં પણ અચાનક પૂર આવતા ટ્રેકટર લઈને જતાં રમેશભાઈ ભલાણી નામના ખેડૂત ધસમસતા પાણી વચ્ચે ફસાયા હતા. જેમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ટ્રેક્ટર તણાઈ ગયું હતું. સદનશીબે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો. બાબરામાં પણ આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા.