ખેડા જિલ્લામાં છૂટાછવાયા વરસાદથી ઠંડક પ્રસરી : નડિયાદમાં 2.15 ઈંચ વરસાદ ખાબક્યો

- પાણીની સમસ્યા હળવી થાય અને ખેડૂતોની વાવણી માટે સારા ચોમાસાની હજૂ પ્રતિક્ષા
- નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ ગણતરીના કલાકોમાં ઉતરી ગયા : કપડવંજ, કઠલાલ, ખેડા, મહુધા, ઠાસરા, ગળતેશ્વર તાલુકા કોરા રહ્યા
નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં બપોરના સમયે આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવો વરસાદ શરૂ થયો હતો. લગભગ ૧૫ થી ૨૦ મિનિટ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નડિયાદમાં આજે સોમવારે દિવસ દરમિયાન કુલ સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં જ પાણી ઓસરી ગયા હતા. મહેમદાવાદ અને મહુધામાં અનેક વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડયા હતા.
વરસાદથી ભલે તત્કાલિન મોટી રાહત મળી હોય, પરંતુ ખેડા જિલ્લામાં સારા ચોમાસાની હજુ પણ પ્રતીક્ષા છે. જેથી પાણીની સમસ્યા હળવી થઈ શકે અને ખેડૂતો પોતાના પાકની વાવણી સારી રીતે કરી શકે.
ખેડા જિલ્લામાં આજે નડિયાદમાં સૌથી વધુ ૫૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. જેમાંથી, બપોરે ૨થી ૪ વાગ્યાની વચ્ચે ૪૮ મિ.મી. વરસાદ પડયો હતો. વસોમાં બપોરે ૪ મિ.મી., મહેમદાવાદમાં બે મિ.મી., માતરમાં સવારે બે મિ.મી. વરસાદ નોંધાયો છે.
કપડવંજ, કઠલાલ, ખેડા, મહુધા, ઠાસરા અને ગળતેશ્વરમાં આજે કોઈ જગ્યાએ વરસાદ નોંધાયો નથી.
શૈશવના ઢાળ પાસે પાણી ભરાતા દર્દીઓને હાલાકી
આજે નડિયાદમાં બે ઇંચ વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આમ તો મોટાભાગના વિસ્તારોમાંથી ગણતરીની મિનિટોમાં પાણી ઉતરી ગયા હતા. પરંતુ શહેરના પારસ સર્કલ પાસે શૈશવ હોસ્પિટલ તરફ જતા ઢાળ પાસે મોડી સાંજ સુધી પાણી ઓસર્યા નહોતા. દેસાઈ વગા બાજુ મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓ, સગાઓને અવર- જવર માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી.









