Get The App

પાઠય પુસ્તકોની અછત વચ્ચે આજથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરુઆત

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
પાઠય પુસ્તકોની અછત વચ્ચે આજથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરુઆત 1 - image

વડોદરાઃ પાઠય પુસ્તકોની અછત વચ્ચે તા.૯ જૂન, સોમવારથી શહેરની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થશે. પાઠય પુસ્તકો નહીં મળી રહ્યા હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં છે તો બીજી તરફ વેપારીઓ પાઠય પુસ્તક મંડળ દ્વારા થઈ રહેલા વિલંબને દોષ આપી રહ્યા છે.

પાઠય પુસ્તકોનું વેચાણ કરતા વેપારીઓના સંગઠન વડોદરા બૂક સેલર ફેડરેશનનું કહેવું છે કે, શૈક્ષણિક વર્ષ શરુ થવાના આડે ૨૪ કલાક પણ બાકી નથી અને વડોદરામાં જરુરિયાત સામે અત્યાર સુધીમાં અંગ્રેજી માધ્યમના ૪૦ ટકા અને ગુજરાતી માધ્યમના ૬૦ ટકા જ પાઠય પુસ્તકો દુકાનો સુધી પહોંચ્યા છે.બીજી તરફ શહેરની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પાઠય પુસ્તકોનું વિતરણ થઈ ગયું છે.આમ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ બજારમાં પાઠય પુસ્તકો લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

સંગઠનના પ્રમુખ ઉમાકાન્તભાઈ પટેલનું કહેવું છે કે, શહેરમાં દર વર્ષે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને પાંચ થી ૬ કરોડ રુપિયાના પાઠય પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે.કેટલાક વિષયના પાઠય પુસ્તકો તો એવા છે જે હજી સુધી દુકાનો સુધી પહોંચ્યા જ નથી.સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં દુકાનો પર ચાર થી પાંચ ધક્કા ખાઈ ચૂકયા છે.અગાઉ ક્યારેય આવું થયું નથી અને આ સમસ્યા માત્ર વડોદરા જ નહીં આખા ગુજરાતમાં છે.

તેઓ કહે છે કે, વડોદરામાં બજારમાં વેચાતા પાઠય પુસ્તકોનો ઓર્ડર શહેરની  સહકારી મંડળી દ્વારા આપવામાં આવે છે.મંડળીને તબક્કાવાર પાઠય પુસ્તક મંડળ તરફથી પુસ્તકો મોકલવામાં આવે છે.આ પુસ્તકો દુકાનો સુધી પહોંચે છે.અત્યાર સુધીમાં પાઠય પુસ્તકોના ઓર્ડરના આઠ રાઉન્ડ પૂરા થવા જોઈએ.તેની જગ્યાએ માત્ર ત્રણ રાઉન્ડ પૂરા થયા છે.

કયા પાઠય પુસ્તકો ઉપલબ્ધ નથી

ગુજરાતી માધ્યમ

ધો.૨ ગુજરાતી

ધો.૩ ગણિત

ધો.૪ હિન્દી, ગણિત

ધો.૬ સંસ્કૃત

ધો.૮ સંસ્કૃત

ધો.૯ ગુજરાતી,સંસ્કૃત  હિન્દી,વિજ્ઞાાન, કોમ્પ્યુટર

ધો.૧૦ સામાજિક વિજ્ઞાાન

અંગ્રેજી માધ્યમ

ધો.૧ અંગ્રેજી

ધો.૩ ઇંગ્લિશ મેરીગોલ્ડ, એન્વાર્યમેન્ટ

ધો.૪ મેથ્સ, હિન્દી, એન્વાર્યમેન્ટ, ગુજરાતી

ધો.૫ ગુજરાતી

ધો.૬ સાયન્સ, સોશ્યલ સાયન્સ

ધો.૭ સંસ્કૃત, સોશ્યલ સાયન્સ

ધો.૮ સંસ્કૃત, ગુજરાતી

ધો.૯ સંસ્કૃત, કોમ્પ્યુટર 

ધો.૧૧ કોમર્સના તમામ વિષય

ધો.૧૧ સાયન્સની પ્રેક્ટિકલ જર્નલ્સ

ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ જર્નલ્સ

વાલીઓ સાથે ઝઘડા, દુકાનદારોએ બેનરો લગાવ્યા 

પાઠય પુસ્તકોની અછતના કારણે વડોદરામાં દુકાનો પર વાલીઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડા થઈ રહ્યા છે.વારંવાર ધક્કા ખાધા પછી પણ પુસ્તકો નહીં મળતા હોવાથી વાલીઓ રોષે ભરાઈ રહ્યા છે.વેપારી સંગઠનનું કહેવું છે કે, અમારો કોઈ વાંક નથી.વાલીઓને અમે સહકાર આપવા સમજાવીએ છે.બૂક સેલર ફેડરેશને તો પોતાના સભ્યોને બેનરો બનાવીને આપ્યા છે.જેમાં લખવામાં આવ્યું છે કે, પાઠય પુસ્તકોનો સપ્લાય અપૂરતો હોવાથી વાલીઓને સહકાર આપવા માટે વિનંતી...

વેચાણ મોડું શરું કરાયું, ૧૭ વિષયોના પુસ્તકોની અછત 

વડોદરામાં  પાઠય પુસ્તકોના વેપારીઓ વતી પાઠય પુસ્તકો મંગાવનાર મંડળી વડોદરા ટ્રેડર્સ કન્ઝ્યુમર્સ કો ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ રોહિત જોષીનું કહેવું છે કે,અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે પુસ્તકોના વેચાણનો ડેપો મે મહિનામાં ચાલુ કરાયો હતો.હકીકતમાં વેચાણ તેના પહેલાથી શરુ થવું જોઈતું હતું.અમને આશ્વાસન અપાયું છે કે, આજે ખૂટતા પાઠય પુસ્તકો આવી જશે.કુલ ૧૭ વિષયોના પુસ્તકોની બજારમાં અછત વરતાઈ રહી છે.

બાળકોનો અભ્યાસ બગડવાની ચિંતા 

વાલીઓને ચિંતા એ વાતની છે કે, બાળકો જો સ્કૂલે પાઠય પુસ્તક વગર જશે તો તેમને ભણવામાં તકલીફ પડશે અને અભ્યાસ બગડશે.સ્કૂલમાં શિક્ષકો ધમકાવશે તે અલગ.ઘણા વાલીઓ અગાઉના વર્ષના સેકન્ડ હેન્ડ પાઠય પુસ્તકો શોધવા માટે પણ દોડધામ કરી રહ્યા છે.જેના કારણે વાલીઓ વાંરવાર વેપારીઓને ફોન કરીને પાઠય પુસ્તકોનો સ્ટોક આવ્યો કે નહીં તેની પૂછપરછ કરી રહ્યા છે.

શૈક્ષણિક વર્ષના પ્રારંભની પૂર્વસંધ્યાએ બજારોમાં ખરીદી

સ્ટેશનરી,  સ્કૂલબેગ અને યુનિફોર્મના ભાવમાં ગત્ વર્ષ કરતાં ખાસ વધારો નહીં 

મોંઘવારીની અસરના કારણે ઘણા વિદ્યાર્થીઓ એક જોડી યુનિફોર્મ ખરીદી રહ્યા છે

સ્કૂલો શરુ થવાની પૂર્વ સંધ્યાએ રવિવારની રજા હોવાથી સ્કૂલ બેગ, યુનિફોર્મ,  સ્ટેશનરી ખરીદવા માટે બજારોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.વાલીઓ માટે એટલી રાહત છે કે, ગત વર્ષ કરતા આ વખતે ખાસ ભાવ વધારો થયો નથી.

સ્કૂલ બેગના વેપારી રુપચંદભાઈનું કહેવું છે કે, બજારમાં આ વખતે ૬૦ થી ૭૦ નવી ડિઝાઈનોવાળી સ્કૂલબેગો આવી છે.આમ તો ૨૦૦૦ રુપિયા સુધીની સ્કૂલ બેગ પણ ઉપલબ્ધ છે પણ  વધારે વેચાણ ૩૦૦ થી ૬૦૦ રુપિયાવાળી બેગોનું થઈ રહ્યું છે.

દુકાનોમાં યુનિફોર્મ લેવા માટે પણ ભીડ હતી.યુનિફોર્મના વેપારી સંજયભાઈએ કહ્યું હતું કે, હવે લગભગ તમામ સ્કૂલોમાં પીટીનો યુનિફોર્મ પણ અલગ થઈ ગયો છે.તેની સાથે ટાઈ, મોજા અને સ્વેટરને ગણતરીમાં લેવામાં આવે તો યુનિફોર્મની એક જોડીનો ભાવ સાઈઝ પ્રમાણે ૮૦૦ રુપિયાથી૨૫૦૦ રુપિયા છે.મોંઘવારીની અસર દેખાઈ રહી છે.ઘણા વાલીઓ એક જોડી યુનિફોર્મ ખરીદીને કામ ચલાવી રહ્યા છે.

નોટબૂકો અને ખાનગી પ્રકાશનોના સાહિત્યનો ભાવ પણ વધ્યો નથી.ઉલટાનું કેટલીક કંપનીઓની નોટબૂકોના ભાવમાં ગત વર્ષ કરતા પાંચ થી ૧૦ રુપિયાનો ઘટાડો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે.

આકરી ગરમી વચ્ચે ૭ લાખથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રારંભ થશે

લગભગ બે મહિનાના લાંબા ઉનાળું વેકેશન બાદ શહેર અને જિલ્લાના સાત લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના શિક્ષણનો આજથી પ્રારંભ થશે. શાળાઓ ફરી એક વખત વિદ્યાર્થીઓની ચહલ પહલથી ગાજી ઉઠશે.જોકે વરસાદ ખેંચાઈ ગયો હોવાથી બાળકોને આકરી ગરમીનો સામનો પણ કરવો પડશે.ઉપરાંત કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે.આ બંને પરિબળોના કારણે વાલીઓ ચિંતામાં છે. ગરમીને જોતા થોડા દિવસ માટે તમામ સ્કૂલો સવાલની પાળીમાં ચલાવવા માટે ડીઈઓ કચેરીએ સ્કૂલોને આદેશ આપવો જોઈએ તેવું પણ ઘણા માની રહ્યા છે.


Tags :