Get The App

SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી

જોબ સર્ટિફિકેટ,ઇન્કમ ટેક્સનું ફોર્મ-૧૬,પગાર સ્લીપ,નોકરીનું સ્થળ બધું જ બોગસઃકુલ ૧૬ જણા સામે ગુનો નોંધાયો

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી 1 - image

વડોદરાઃ સામાન્ય વ્યક્તિ લોન માટે બેન્કોના ધક્કા ખાઇને થાકી જતો હોય છે ત્યારે બેન્કોમાં મેળાપીપણાથી કેવી રીતે લાખોની લોનો મંજૂર કરી દઇને કૌભાંડ આચરવામાં આવે છે તેનો કિસ્સો બહાર આવતાં ગોરવા પોલીસે છ લોન ધારકો તેમજ તેની ફાઇલો તૈયાર કરનારા વચેટિયા અને બેન્કના એજન્ટ સહિત કુલ ૧૬ જણા સામે ફરિયાદ નોંધી છે.

ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના(રીટલ એસેટ્સ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર)ના ચીફ મેનેજર  યજ્ઞોશ પટેલ (હવેલી હાર્મની,રાજેશ ટાવર રોડ, ગોત્રી)એ પોલીસને કહ્યું છે કે,અમારી બેન્કને વડોદરાના છ લોન ધારકોએ વર્ષ-૨૦૨૧-૨૨માં લીધેલી હોમ લોનમાં બોગસ ડોક્યુમેન્ટ્સ હોવાની ફરિયાદ મળતાં તપાસ કરવામાં આવી હતી.

જે દરમિયાન શંપા ચેટરજી,ધીરજકુમાર વાઘેલા,શેતલબેન દેસાઇ,બાબુ સામી, અનિલ નલાવડે અને શ્રીકાંતકુમાર સોલંકી નામના છ હોમ લોન ધારકો તેમના દર્શાવેલા સ્થળે નોકરી નહિ કરતા હોવાનું અને પગાર સ્લીપ,ઇન્કમટેક્સના ફોર્મ-૧૬,બેન્ક સ્ટેટમેન્ટ,આઇકાર્ડ,એપોઇન્ટમેન્ટ લેટર જેવા તમામ દસ્તાવેજો બોગસ હોવાનું ખૂલ્યું હતું.

આ દસ્તાવેજો તૈયાર કરનારા વચેટિયાઓએ કમિશન લીધું હતું અને  બેન્કના એજન્ટ શ્રીપ્રકાશ દ્વિવેદી તેમજ ધર્મેન્દ્ર વાઘેલા મારફતે ફાઇલો મૂકી  હતી.બેન્કના દસ્તાવેજો વેરિફિકેશન કરતી પ્રવિણચંદ્ર એન્ડ એસોસિએટ્સ(હરિહરપાર્ક,જૂની હાઇકોર્ટ  પાસે,નવરંગ પુરા,અમદાવાદ અને સ્પેન્થા કોમ્પ્લેક્સ,વાણિજ્ય ભવન સામે,અલકાપુરી વડોદરા)ના કર્મચારીઓએ બોગસ વેરિફિકેશન સર્ટિફિકેટ આપ્યા હતા.

બેન્ક દ્વારા ઉપરોક્ત છ ગ્રાહકોને કુલ રૃ.૧.૯૭ કરોડની હોમ લોન આપવામાં આવી હતી.જેની પ્રોપર્ટી બેન્ક પાસે મોર્ગેજ છે.પરંતુ હપ્તા ભરતા નથી અને બોગસ દસ્તાવેજો રજૂ કરી  બેન્ક સાથે છેતરપિંડી કરી હતી.જેથી ગોરવા પોલીસે કુલ ૧૬ જણા સામે ગુનો નોંધ્યો છે.

જેવી લોન તેવો હોદ્દો, કોઇને પ્રોજેક્ટ મેનેજર તો કોઇને સ્ટોર સુપરવાઇઝર  બતાવ્યા

 એસબીઆઇની હોમ લોન લેવા માટે કમિશન એજન્ટોએ લોનની રકમ મુજબ નોકરીના બોગસ સ્થળ,હોદ્દા અને અન્ય  દસ્તાવેજો બનાવી આપ્યા હતા.

પોલીસના કહ્યા મુજબ,કમિશન એજન્ટો ને કુલ રૃ.૧.૭૦લાખ જેટલું કમિશન મળ્યું હતું.જેથી તેઓ પકડાય પછી દસ્તાવેજો ક્યાં બનાવ્યા તેની માહિતી મળશે.કમિશન એજન્ટોએ કોઇને સ્ટોર સુપરવાઇઝર,તો કોઇને લેબ આસિસ્ટન્ટ અને પ્રોજેક્ટ મેનેજર જેવા હોદ્દાના સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા.

હકિકતમાં આવી કોઇ ખાનગી કંપનીમાં તેઓ નોકરી કરતા જ નહતા.એજન્ટોએ ઇન્કમ ટેક્સના ફોર્મ-૧૬,બેન્ક સ્ટેટમેન્ટ અને પગાર સ્લીપ ક્યાં  બનાવ્યા તે પણ તપાસનો વિષય છે.

સ્ટેટ બેન્કને ચૂનો ચોપડવાના કૌભાંડમાં કોની કોની સામે ફરિયાદ નોંધાઇ

સ્ટેટ બેન્કમાંથી બોગસ દસ્તાવેજોને આધારે હોમ લોન લેવાના કૌભાંડમાં કોની કોની સામે ફરિયાદ નોંધાઇ છે તેની વિગત આ મુજબ છે.

આરોપીનું નામ                           સરનામું                                         લોન(લાખ)

લોન ધારકોના નામ

શંપા મિહિરભાઈ ચેટરજી હરિઓમ નગર સોસાયટી બિલ અને સ્ટાર રેસીડેન્સી  વાસણા ભાયલી રોડ  ૧૩.૫૦

ધીરજકુમાર રાજાભાઇ વાઘેલા હરિનગર સો,હરણીરોડ અને ગોવિંદધામ સો.,મોટેરા સ્ટેડિયમ ,અમદાવાદ ૭૩.૦૦

શીતલબેન ભાવેશભાઈ રબારી ગ્રીન સીટી સોસાયટી કરજણ મૂળ રહે રબારી પડયું વેડચ જંબુસર ૧૯.૮૧

બાબુ મુનુ સામી પુનિત પાર્ક સોસાયટી નવા યાર્ડ                                        ૩૬.૨૭

અનિલ ગણપતલાવડે પ્રેમ સ્મૃતિ એપાર્ટમેન્ટ,આરવી દેસાઈ રોડ મૂળ રાયગઢ મહારાષ્ટ્ર ૧૬.૨૦

શ્રીાંતકુમાર શાનુભાઈ સોલંકી વેડચ, ગજેરા ભરૃચ અને વ્રજ વિહાર સોસાયટી રાણેશ્વર, વાસણા રોડ ૪૪.૦૦

દસ્તાવેજો બનાવી આપનાર કમિશન એજન્ટ

દર્શક ઉર્ફે દર્શિત પટેલ સરનામું કોઇ જાણતું નથી.

સંતોષ બાલકૃષ્ણ પાર્ટે -

રણજિત આહિર -

બેન્કના અધિકૃત એજન્ટ

શ્રી પ્રકાશ દ્વિવેદી લોન ની ફાઇલ મૂકનાર અધિકૃત એજન્ટ

ધર્મેન્દ્ર વૃન્દાવન વાઘેલા લોનની ફાઇલ મૂકનાર અધિકૃત એજન્ટ

પ્રવિણચંદ્ર એન્ડ એસો.ના કર્મચારી અને ફિલ્ડ ઓફિસર

વિપુલ અરવિંદભાઇ વાળંદ ભવ્ય રેસિડેન્સી,છાણી મૂળ લેબાનીવાડ,કડાણા,મહિસાગર

અમીર સોહેલ નબીમીયા કુરેશી ટેકરાવાળું ફળિયું,બાસ્કા,હાલોલ રોડ

અલ્કેશ ભીમસિંહ બારીયા સંપતરાવ કોલોની,અલકાપુરી,મૂળ દેવગઢ બારીયા

યશ નિમેશભાઇ પટેલ કાછીયા પોળ,રાજમહેલરોડ,વડોદરા

ગજેન્દ્રસિંહ દિલીપભાઇ પરમાર ફિલ્ડ ઓફિસર

Tags :