Gujarat

એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર

By GS TEAM
26 Nov 20251 min read
એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર

- પકડાયેલો શખ્સ 2 દિવસના રિમાન્ડ પર

- સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસરના રૂ. 1.01 કરોડ ગઠિયો ઓળવી ગયો હતો

ભાવનગર : ભાવનગરની નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસરને એપ્લિકેશન ડાઉનલોડ કરવી સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી રૂ.૧.૦૧ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરનાર વધુ શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મૂળ સુરતના વતની અને હાલ તળાજા રોડ ટોપ ૩ સર્કલ પ્લોટ નં.૧૦૪/૨, ઈશાવાષ્યમ, શ્રીવલ્ભ રેસીડન્સી ખાતે રહેતા અજયભાઈ જસવંતભાઈ પટેલ સાથે અજાણ્યા શખ્સોએ  એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સેબીનું બનાવટી સર્ટી મોકલી તેમા આઇપીઓ તથા સ્ટોકમાર્કેટમા રોકાણ કરાવી પ્રોફિટ આપવાના નામે વિશ્વાસમાં લઇ અજયભાઈ પાસેથી કુલ રૂ.૧,૦૧,૯૦,૦૦૦ની રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઇ અજયભાઈ સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો હતો. આ ગુન્હામા અગાઉ કલા માલાભાઇ રાજપુત (રહે.સુઇગામ), સલીમ ઉસ્માનમીયા શેખ (રહે. વિસનગર), અભીષેક ત્રીભોવનભાઇ કુકડિયા (રહે.સાયલા)ને ઝડપી લેવામાં આવ્યા હતા. જે હાલ જ્યુડિશીયલ કસ્ટડિમાં ભાવનગર જિલ્લા જેલમાં છે. તદુપરાંત સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા બ્રિજેશ શૈલેષભાઇ પટ્ટણી (રહે. સાયલા, વિહતમાંના ચોક પાસે, તા.સાયલા જી.સુરેન્દ્રનગર)ને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી કોર્ટ દ્વારા ૦૨ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.