17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપકડ
43 વર્ષીય ડિવોર્સી મહિલાએ ડો.ચિરાગ બારોટ સામે ફરિયાદ નોંધાવતાં આગોતરા જામીન લઇ હાજર
વડોદરાઃ વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટ વિભાગના ૫૪ વર્ષીય એસોસિયેટ પ્રોફેસર ડો.ચિરાગ બારોટની સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તે આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવની વિગતો મુજબ,સાયકિયાટ્રિસ્ટ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ચિરાગ બારોટ (ગોકુલધામ સોસાયટી,વિદ્યાવિહાર સ્કૂલ પાસે,સુભાન પુરા)સામે ૪૩ વર્ષીય ડીવોર્સી મહિલા તબીબે ૧૭ વર્ષથી સબંધ રાખી અને વારંવાર બળાત્કાર ગુજારી લગ્નના માત્ર વાયદા કરતો હોવાથી ફરિયાદ નોંધાવી હતી.મહિલાએ એમ પણ કહ્યું હતું કે,ચિરાગ બારોટે પોતે ડિવોર્સ લઇને લગ્ન કરશે તેમ કહ્યું હતું.
ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ કહ્યું હતું કે,ચિરાગને શોધવા માટે જુદીજુદી ટીમો કામે લાગી હતી.પરંતુ કોર્ટમાંથી આગોતરા જામીન મળતાં તે હાજર થયો હતો.તેની રેકોર્ડ પર ધરપકડ બતાવી મેડિકલ ટેસ્ટ કરાવાયો છે.ચિરાગ રાજસ્થાન ગયો હોવાની માહિતી મળી છે.
તમામ એરપોર્ટ પર જાણ કરી હતી
ગોરવા પોલીસે બળાત્કારના કેસના આરોપી ડોક્ટરને શોધવા માટે જુદીજુદી ટીમો ઉપરાંત તેમના આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી.આ ઉપરાંત પોલીસે તમામ એરપોર્ટ પર પણ નોટિસ મોકલી જાણ કરી હતી.આરોપી રાજસ્થાનમાં હતો અને કોર્ટે આગોતરા જામીન મંજૂર કરતાં ગોરવા પોલીસે પૂછપરછ કરી હતી.