સાવલીનો નામચીન બૂટલેગર રાજસ્થાનની હોટલમાંથી ઝડપાયો, વિજિલન્સના દરોડા બાદ સાવલીના પાંચ પોલીસ કર્મચારીઓની બદલી
Vadodara : વડોદરાના સાવલીમાં વિજિલન્સ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ઉપરાછાપરી દારૂની રેડ બાદ લાંબા સમયથી ફરાર ધવલ ઉર્ફે મુન્નો જયસ્વાલને રાજસ્થાનની હોટલમાંથી ઝડપી પાડયો હતો.
ઉલ્લેખનીય છે કે સાવલીમાં માળી મહોલ્લામાં સાવલી પોલીસે તા.૩૦ના રોજ દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડી સોનલ ધર્મેન્દ્ર માળીની ધરપકડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે ધર્મેન્દ્ર તેમજ ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલ (રહે.પાણીની ટાંકી પાસે, સાવલી) ફરાર થઈ ગયા હતાં. ધવલ ઉર્ફે મુન્નો નામચીન હોવાથી તેને ઝડપી પાડવા માટે સાવલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તે રાજસ્થાનની એક
હોટલમાં રોકાયો છે તેવી માહિતીના આધારે પોલીસની એક ટીમ રાજસ્થાનના બિચ્છુવાડા પહોંચીને લક્ષ્મી હોટલમાંથી ધવલ ઉર્ફે મુન્નાને ઝડપી પાડયો હતો. તેનો કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિજિલન્સના દરોડામાં પણ ધવલ ઉર્ફે મુન્નો ફરાર છે. જ્યારે વિજિલન્સના દરોડા બાદ સાવલીના પાંચ કોન્સ્ટેબલોની નજીકના પોલીસ સ્ટેશનોમાં બદલી કરી દેવામાં આવી છે.