Gujarat

વિજિલન્સે દારૃ ઝડપ્યા બાદ સાવલી પો.સ્ટે.ના પીએસઆઇ જાડેજાને સસ્પેન્ડ કરી દેવાયા

By GS TEAM
18 Jun 20251 min read
વિજિલન્સે દારૃ ઝડપ્યા બાદ  સાવલી પો.સ્ટે.ના પીએસઆઇ જાડેજાને સસ્પેન્ડ કરી દેવાયા

વડોદરા, તા.18 સાવલીમાં સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ જે તે સમયના પીએસઆઇ જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે ચોરીના ગુનામાં સંડોવણી બદલ જરોદના કોન્સ્ટેબલ ચિરાગને પણ સસ્પેન્ડ કરી દેવાયો છે.

આ અંગેની વિગત એવી છે કે સાવલીમાં પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સે દરોડો પાડીને મોટાપાયે દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો અને સાથે દોઢ ડઝનથી વધુ વાહનો પણ કબજે કર્યા હતાં. દરમિયાન સાવલી પોલીસે પણ દરોડો પાડીને દારૃ ઝડપી પાડયો હતો જ્યારે બૂટલેગર ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલ ફરાર થઇ ગયો હતો. સાવલી પોલીસે તેને રાજસ્થાનની એક હોટલમાંથી ઝડપી પાડી તેના ઘેર સર્ચ કરતાં મોટી સંખ્યામાં નંબરપ્લેટો મળી હતી. આ ઘટનામાં વિજિલન્સ દ્વારા આઇજીપી ઓફિસ પાસે અહેવાલ મંગાવવામાં આવ્યો હતો જેથી પ્રાથમિક તપાસ બાદ પીએસઆઇ એમ.બી. જાડેજાને  એસપીએ સસ્પેન્ડ કરી દીધા હતાં.

આ ઉપરાંત વાઘોડિયામાં રૃા.૨૭.૮૯ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીના ચકચારભર્યા બનાવમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં ચોરીનો મુદ્દામાલ જરોદના કોન્સ્ટેબલ ચિરાગ મુકેશ જિઝુવાડીયા પાસે હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાની પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી હતી અને ચોરીના ગુનામાં કોન્સ્ટેબલને પણ આરોપી બનાવી તેની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો  હતો. આ ઘટનામાં પણ ડીએસપીએ કોન્સ્ટેબલ ચિરાગને સસ્પેન્ડ કરી દીધો હતો.