Get The App

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હલતું

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હલતું 1 - image

Amreli News: ગુજરાત સરકાર 'ભણશે ગુજરાત, રમશે ગુજરાત'ના ભલે ગમે તેટલા સ્લોગન આપે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલી હાથસણી સીમશાળાના 50થી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું એ હવે એક મસમોટો પડકાર નહીં પણ જીવલેણ સંઘર્ષ બની ગયો છે. ખેત મજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરુ કરાયેલી આ શાળાના રસ્તા પર ન તો કોઈ પાકો માર્ગ છે, ન તો સલામતી, જેના કારણે વિદ્યાર્થીઓ રોજ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે.

કાદવ-કીચડના સામ્રાજ્યમાં બાળકોનું ભવિષ્ય

બાલ વાટિકાથી ધોરણ 7 સુધીનો અભ્યાસ આપતી આ સીમશાળા સુધી પહોંચવા માટે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને રોજ ગંદા પાણીના વહેણ અને કાદવ-કીચડના સામ્રાજ્યમાંથી પગપાળા ચાલીને પસાર થવું પડે છે. વેંત જોટલો પગ ખૂંપી જાય તેવા કીચડમાંથી બાળકોને રોજ પસાર થવું પડે છે. ચોમાસામાં અને વરસાદ બાદ આ વોકળામાંથી પસાર થવું એ અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે.

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હલતું 2 - image

વન્ય પ્રાણીઓનો ભય: 

આ સીમશાળા જંગલ જેવા ગાઢ અને ગીચ વાડી વિસ્તારમાં આવેલી છે. 4થી 5 કિલોમીટર પગપાળા ચાલીને આવતા નાના ભૂલકાઓ સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓના ભયના ઓથાર તળે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પોતે જ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, વેરાન વગડો અને ગીચ ઝાડીવાળી સાંકડી ગલીમાંથી પસાર થતાં તેમને સતત ભય રહે છે.

શિક્ષકો બન્યા 'રક્ષક': ક્યાં છે તંત્ર?

આ બાળકોની તંત્રને તો કોઈ ચિંતા નથી, પરંતુ શિક્ષકો માનવતા દાખવે છે. જ્યારે શાળા છૂટે છે, ત્યારે વન્યપ્રાણીઓના ભયને કારણે શિક્ષકોએ જ રક્ષક બનવું પડે છે. શિક્ષકો પોતાની કારમાં 5-7 અને બાઇકમાં 2-3 વિદ્યાર્થીઓને બેસાડીને તેમના ઘર સુધી પહોંચાડવાની મનાવતા રાખે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા યથાવત્ છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હલતું 3 - image

'ભણશે ગુજરાત'ના સ્લોગન પર સવાલ અને TPOની હૈયાધારપત

આટલા વર્ષો સુધી બેદરકારી દાખવ્યા બાદ હવે શિક્ષણ વિભાગના ટી.પી.ઓ.એ આખરે સ્વીકાર્યું છે કે શાળાએ પહોંચવા માટે રોડ-રસ્તો જ નથી. ટી.પી.ઓ.એ હૈયાધારણા આપી છે કે, શિક્ષણ વિભાગ હવે R&B અને તાલુકા પંચાયતના અધિકારીઓ સાથે મળીને આ રસ્તા બને તે માટે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા

જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અને ગટરના ગંદા પાણી જેવા વહેણમાંથી પસાર થઈને ભણવા મજબૂર છે, ત્યાં રાજ્ય સરકારના 'ભણશે ગુજરાત' અને 'શિક્ષણ મેળવવું એ અધિકાર છે' જેવા સ્લોગનોની વાસ્તવિકતા પર મોટો પ્રશ્નાર્થ લાગ્યો છે. બાળકોના જીવ જોખમમાં મૂકનારી આ પરિસ્થિતિ પર તંત્ર ક્યારે જાગશે અને ક્યારે બાળકોને સલામત રસ્તો મળશે, તે જોવું રહ્યું.