Get The App

સાવરકુંડલા પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રમુખને ખુલાસો કરવા નોટિસ, ટેન્ડરમાં શંકાસ્પદ શરતો

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
સાવરકુંડલા પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રમુખને ખુલાસો કરવા નોટિસ, ટેન્ડરમાં શંકાસ્પદ શરતો 1 - image


Savarkundala News: સાવરકુંડલા નગરપાલિકામાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે પ્રાદેશિક કમિશનરે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ બાબતે લેખિત ફરિયાદ કરી હતી, જેની તપાસ બાદ આખરે પ્રાદેશિક કમિશનરે જવાબદાર તત્કાલીન સત્તાધીશો પાસે ખુલાસો માંગ્યો છે.

આ મામલે 2021 થી 2023 દરમિયાન પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવનાર તૃપ્તિબેન દોશીને પ્રાદેશિક કમિશનરે નોટિસ ફટકારી છે. તેમને ત્રણ દિવસમાં ખુલાસો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સાવરકુંડલા પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રમુખને ખુલાસો કરવા નોટિસ, ટેન્ડરમાં શંકાસ્પદ શરતો 2 - image

નોટિસ મુજબ, યુડીપી 2020-21 થી 2021-22ના ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાયું છે. સમાન પ્રકારના કામો માટે અલગ અલગ શરતો રાખીને મનગમતી એજન્સીઓને કામો આપવામાં આવ્યા હોવાનો આરોપ છે. પ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરી, કોન્ટ્રાક્ટ એજન્સીને ટેન્ડર આપવા માટે ખાસ શરતો રાખી હોવાનું પણ નોટિસમાં ઉલ્લેખ છે.

આ ઉપરાંત, રોડ-રસ્તાના કામો માટેના ટેન્ડર રદ કરીને પોતાની એજન્સી માટે ચોક્કસ શરતો સાથે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં બે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યા હતા. ટેન્ડરમાં રાખવામાં આવેલી શરતો શંકાસ્પદ હોવાનું પણ કમિશનરે નોંધ્યું છે.

સરકારના 15મા નાણાપંચની ગ્રાન્ટોનો પણ દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. નિયામકની મંજૂરી વગર લાખો રૂપિયાના બિલો બનાવવામાં આવ્યા હતા. આ તમામ ક્ષતિઓને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક કમિશનરે તત્કાલીન પ્રમુખને જવાબદાર ગણાવ્યા છે. આ નોટિસ બાદ સાવરકુંડલાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


Tags :