સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ખેડૂતોમાં ખુશીનો માહોલ

Amreli News : અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. સાવરકુંડલા શહેરમાં અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ખાંભા, ડેડાણ, માલેકનેસ, રાણીગપરા, તેમજ ગીરના દાઢીયાળી, ચતુરી, ભાવરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.
સાવરકુંડલા અને ખાંભા બાદ જાફરાબાદ પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. જાફરાબાદના લોર, ફાચરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે લોર ગામની શેરીઓમાં નદીઓ માફક પાણી વહેતા થયા હતા. સતત વરસાદને કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદ પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
સમગ્ર અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે. આ વરસાદથી ખેડૂતોના સૂકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે. આશા છે કે આ વરસાદની સિઝન ખેડૂતો માટે ફાયદાકારક રહેશે.