અમરેલી જિલ્લા ભાજપમાં અસંતોષની આગના લબકારા યથાવત : 'હાલ ખેડૂત પાયમાલ થઈ ગયો છે, સરકારે સહારો બનવાની જરૂર હતી, ખેડૂતના દીકરા તરીકે આ અન્યાય સહન થતો નથી..' એવી હૈયાવરાળ
અમરેલી, : અમરેલી જિલ્લા ભાજપમાં અસંતોષની આગનાં લબકારા યથાવત રહ્યા છે. હવે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનની સહાય માટે જાહેર કરાયેલા રાહત પેકેજ સામે ભાજપમાં જ અસંતોષની લાગણી જોવા મળી છે. રાહત પેકેજને 'ખેડૂતોની મશ્કરી' ગણાવી અમરેલી જિલ્લામાં નામના ધરાવતા સાવરકુંડલાના ભાજપ અગ્રણીએ રાજીનામું ધરી દીધું છે.
સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર અને ખડસલી સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ ગઈકાલે સહાય પેકેજની જાહેરાત બાદ તુરંત જ રાજીનામું આપી દીધું છે. તેમણે ખેડૂતોના હિતમાં આ પગલું ભરતાં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. હાલ ભાજપની 'પહેલી વિકેટ ડૂલ' થઈ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. હવે ખેડૂતોને અપૂરતી સહાય મળવાના મુદ્દે હવે અન્ય નેતાઓ પણ વિરોધનો સૂર ઉઠાવે તેવી શક્યતા છે.


