Get The App

1948થી 1956 સૌરાષ્ટ્ર સ્વતંત્ર રાજ્ય હતું : રાજકોટમાં વિધાનસભા ગૃહ, સચિવાલય હતા

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
1948થી 1956 સૌરાષ્ટ્ર સ્વતંત્ર રાજ્ય હતું : રાજકોટમાં વિધાનસભા ગૃહ, સચિવાલય હતા 1 - image


આજે ગુજરાતની સ્થાપનાનો અને સૌરાષ્ટ્રના વિલીનીકરણનો દિવસ : સરદાર પટેલે 222 રજવાડાના બનેલા રાજ્યનું નામ કાઠીયાવાડ બદલી સૌરાષ્ટ્ર રખાવ્યું : મંત્રીનો પગાર રૂ. 500 અને મુખ્યમંત્રી ઢેબરભાઈ સાદા નળિયાવાળા મકાનમાં જ રહેતા

રાજકોટ, : આવતીકાલ તા. 1 મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને તે સાથે જ સૌરાષ્ટ્ર મુંબઈથી અલગ પડીને ગુજરાતમાં વિલીનીકરણ થયાનો પણ દિવસ છે. ઈ.સ. 1947માં ભારત  આઝાદ થયા બાદ  સરદાર પટેલે ત્યારે 222  નાના-મોટા રજવાડાઓમાં વહેંચાયેલા સૌરાષ્ટ્રને ભારતમાં ભેળવ્યા હતા જેમાંથી આ રાજ્ય બન્યું હતું. તે પહેલા તે કાઠીયાવાડ અને બાદમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠીયાવાડ (USK) તરીકે ઓળખાતું પરંતુ, તા. 15 ફેબુ્રઆરી 1948માં આ રાજ્યના પ્રથમ રાજપ્રમુખ (હવે રાજ્યમાં રાજ્યપાલ હોય છે) તરીકે જામ દિગ્વિજયસિંહને શપથ લેવડાવ્યા ત્યારે સરદાર પટેલે જ કાઠીયાવાડને બદલે સૌરાષ્ટ્રનુ સંયુક્ત રાજ્ય નામ આપ્યું અને આ રાજ્યનું પૌરાણિક નામ સૌરાષ્ટ્ર ત્યારે દોઢસો વર્ષ બાદ પુનર્જિવીત થયું હતું. આ જ દિવસે ઉછરંગરાય ઢેબરને રાજપ્રમુખે મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યા હતા. 

ઈ.સ. 1948થી ઈ.સ. 1956 સુધી 8 વર્ષ સુધી સૌરાષ્ટ્ર સ્વતંત્ર રાજ્ય હતું અને તેનું વિધાનસભા ગૃહ પાટનગર રાજકોટના જ્યુબિલી બાગમાં આવેલ કોનોટ હોલ (અરવિંદ મણિયાર હોલ)માં ધમધમતું હતું જેની પ્રથમ બેઠકનું તા. 15-1-1949ના ઉદ્ધાટન પણ સરદાર પટેલે કર્યું હતું. અને જુનાગઢના ઉતારા અને આજના સર્કિટ હાઉસ ખાતે સચિવાલય ચાલતું હતું જ્યાં સચિવો,મંત્રીઓ સહિતની ઓફિસો હતી. જુનાગઢ રાજ્ય પછી આઝાદ થયું અને ત્યારબાદ તેને સૌરાષ્ટ્રમાં ભેળવાયું ત્યારે તેના ધારાસભ્યોની 7 બેઠકો હતી. આજે આ બન્ને સ્થળો હયાત છે જેમાં વિધાનસભા ગૃહ જર્જરિત થયું છે અને તેના લાંબા સમય બાદ રિનોવેશનનું રૂ. 4.20 કરોડના ખર્ચે કામ હાથ ધરાયું છે તો સર્કિટહાઉસમાં તો આજના મંત્રીઓ,મુખ્યમંત્રીઓ આવતા જતા હોય તેની જાળવણી થતી રહી છે.

નવેમ્બર- 1956માં મુંબઈ રાજ્યની રચના થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત મુંબઈ રાજ્યમાં જોડાયું હતું જે તા. 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના સાથે સૌરાષ્ટ્રનું તેમાં વિલીનીકરણ થયું હતું. આજે 11 જિલ્લાઓ ધરાવતો સૌરાષ્ટ્ર એક અલગ પ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. 

સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી સ્વ.ઉછરંગરાય ઢેબર એક આદર્શ નેતા હતા, સચિવાલય,વિધાનસભા ગૃહ તો ઐતહાસિક બિલ્ડીંગમાં બેસતા પણ ઢેબરભાઈ મુખ્યમંત્રી તરીકે એક નાનકડા નળિયાવાળા મકાનમાં રહેતા હતા અને શરૂઆતમાં તો તેમને બેસવા ખુરશી, ટેબલની સુવિધા પણ ન્હોતી. એ વખતે સરકારી અમલદારોનો પગાર રૂ.૨૦૦૦ અને મંત્રીનું વેતન રૂ.૫૦૦ હતું. અને રોજ સવારથી રાત્રિ સુધી સતત પ્રજાના પ્રશ્નો ઉકેલવા કાર્યરત રહેતા. સૌરાષ્ટ્ર રજવાડાઓ મટીને રાજ્ય બન્યા બાદ લોકો પર ઝીંકાયેલા ૧૬૮ પ્રકારના વેરાઓ એક ઝાટકે નાબુદ કરી નંખાયા હતા. ખેડે તેની જમીનના સિધ્ધાંત સાથે ખેડૂતોને જમીન અપાઈ હતી.  જાણીને આશ્ચર્ય થશે પરંતુ, સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે જે જુદા જુદા પાંચ રજવાડાની રેલવે ચાલતી તે સ્ટેટ હેઠળ મુકાઈ અને તત્કાલીન સૌરાષ્ટ્રના વાહન વ્યવહાર મંત્રી બળવંતરાય મહેતાએ આ રેલવે અને સૌરાષ્ટ્રના બંદરો કેન્દ્ર સરકારને સોંપવા નક્કી થતા બદલામાં જે મોટી રકમ મળી તેમાંથી રાજકોટથી ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ જિલ્લા મથકોએ જવા પાકા રોડ બનાવ્યા હતા જેના કારણે બસ વ્યવહાર શરૂ થતા રેલવે કરતા વધુ વહેલા લોકો નિયત સ્થળે પહોંચી શકતા હતા. 

Tags :