Gujarat

VIDEO| ખેડૂતો પર માવઠાનો માર! સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકોને નુકસાન, નવી આગાહીથી જગતનો તાત ચિંતિત

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 21 તાલુકામાં 30 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદ નોંધાયો છે. અમરેલી, વડિયા સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચથી વધુ વરસાદથી ખેડૂતોના મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ માંડ-માંડ તૈયાર કરેલો પાક બગડતા ભાવ ઓછા મળવાની ભીતિ સેવાઈ રહી છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| ખેડૂતો પર માવઠાનો માર! સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકોને નુકસાન, નવી આગાહીથી જગતનો તાત ચિંતિત

Saurashtra Unseasonal Rain Farmer Crop Damage: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30 ઑક્ટોબરના સવારે 6 વાગ્યાથી 31 ઑક્ટોબરના સવારે 6 વાગ્યાના 24 કલાક દરમિયાન રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલી અને વડિયા સહિતના તાલુકામાં 1.5 ઇંચથી વધુ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને માઠી અસર પહોંચી છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના ખેતીપાકોને નુકસાન

અમરેલી જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો ઝૂટવાઇ ગયો છે. શુક્રવારે(30 ઑક્ટોબર) સાંજ બાદ વાતાવરણમાં પલટો આવતાં ખાંભા ગીર, બગસરા, અમરેલી, કુકાવાવ, બાબરા અને વડિયા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા માવઠાના કારણે ખેડૂતોએ યાર્ડમાં લઈ જવા ખેતરોમાં તૈયાર કરેલા મગફળીના પથારાને ભારે નુકસાન થયુ હતુ. ખાંભા ગીરના ગામડાઓ અને વડિયા પંથકમાં ખેડૂતોને મો માં આવેલો કોળીયો છીનવાઈ ગયો હોવાની હૈયાવરાળ ખેડૂતોએ ઠાલવી હતી.

ખેડૂતોને માવઠાનો માર!

ખેડૂતોએ જણાવ્યું હતું કે, 'અમરેલી અને વડિયામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ પડવાને કારણે મગફળીનો પાક બગડી ગયો છે. મગફળી કાળી પડી ગઈ છે અને કાલે માવઠું થતા મગફળીના પાથરા પલળી ગયા હતા, જેને આજે સવારે ભેગા કરવાની મજૂરી કરવી પડી હતી. જ્યારે પાક ખરાબ થવાને કારણે બજારમાં 100-150 રૂપિયા ભાવ ઓછા મળવાની શક્યતા છે. માવઠું પડતાં ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વાડીમાં પિયત માટે પૂરતું પાણી નથી, માત્ર પીવા પૂરતું જ પાણી ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતોની દશા કફોડી બની છે.'

માંડ-માંડ મગફળીનો પાક તૈયાર કર્યો ને માવઠું થયુ: ખેડૂતો

અન્ય ખેડૂતોએ વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'અમરેલી જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં કુવા અને બોરમાંથી માંડ-માંડ પાણી ખેંચી મગફળીનો પાક બચાવ્યો હતો. અચાનક સાંજે ભારે પવન અને ધોધમાર કમોસમી વરસાદ ત્રાટકવાથી ખેતરમાં બધું ખેદાન-મેદાન થઈ ગયું છે. વરસાદ પડવાને કારણે મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો છે. જેનાથી મગફળી ખરાબ થવાના કારણે 50% ભાવ થઈ જશે. કુદરતી આફતના આ સમયે સરકારે રાહત પેકેજ કે સહાયની જાહેરાત કરવી જોઈએ'

કલ્યાણપુરમાં ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને માઠી અસર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં 31 ઑક્ટોબરના રોજ બપોરે એકાએક ધોધમાર કમોસમી વરસાદ વરસતા કફોડી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં કલ્યાણપુર તાલુકાના રાજપરા, ખાખરડા, ભાટિયા સહિતના અનેક ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદ પડવાના કારણે ખેતીપાકો અને પશુ ખોરાક પલળી જતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર ઉપરાંત ખંભાળિયા તાલુકાના કેટલાક ગામોમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા હતા.

Gujarat Samachar - 2026-10-31T203507.780.png