સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષા રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCA Sem 5 Exam Cancelled: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. યુનિવર્સિટીના અધ્યાપકોની ઘોર બેદરકારીનું પરિણામ હજારો વિદ્યાર્થીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં લેવાયેલી BCA સેમેસ્ટર-5ની પરીક્ષામાં વિવાદ થતાં આખરે પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત 12 નવેમ્બરના રોજ BCA સેમેસ્ટર-5નું ‘પ્રોગ્રામિંગ ઇન પાયથન’ વિષયનું 50 માર્કનું થીયરી પેપર લેવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષા બાદ સામે આવ્યું હતું કે આ પેપર કોઈ નવું સેટ કરેલું પેપર નહોતું, પરંતુ કૉલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં જે પેપર પૂછવામાં આવ્યું હતું, તે જ પેપર યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષામાં બેઠેબેઠું પૂછી નાખવામાં આવ્યું હતું.
ABVP દ્વારા વિરોધ અને પેપર રદનો નિર્ણય
ઇન્ટર્નલ અને એક્સટર્નલ બંને પેપર એકસમાન હોવાની વાત વહેતી થતાં જ વિદ્યાર્થી આલમમાં રોષ ફેલાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તપાસ કરતાં બંને પેપર સરખા હોવાનું સાબિત થતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે.
22 નવેમ્બરે ફરીથી યોજાશે પરીક્ષા
હવે 22 નવેમ્બરે ફરી પરીક્ષા અધ્યાપકોની આળસ અને બેદરકારીને કારણે અંદાજે 2200 જેટલા વિદ્યાર્થીઓએ હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. રદ કરવામાં આવેલું ‘પ્રોગ્રામિંગ ઇન પાયથન’નું પેપર હવે આગામી 22 નવેમ્બરના રોજ ફરીથી લેવામાં આવશે.
જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત આ સમગ્ર ઘટના અંગે એજ્યુકેશન ફેકલ્ટીના ડીને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે 'આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. કસૂરવાર અધ્યાપકોને આજીવન પરીક્ષાની કામગીરીથી પ્રતિબંધિત પણ કરવામાં આવી શકે છે.'
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જે અધ્યાપક દ્વારા પેપર કાઢવામાં આવ્યું હતું તેઓ સિનિયર છે. તેમનો ઇરાદો પેપર ફોડવાનો નહોતો, પરંતુ આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ તે તપાસનો વિષય છે.









