Gujarat

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો

By GS TEAM
31 Jul 20252 mins read
મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો

20.11 લાખ હે.માં વાવણીના પગલે મબલખ પાકનો અંદાજ  : પહેલા કૃત્રિમ રીતે ભાવ વધ્યા બાદ સપ્તાહમાં  ડબ્બાએ  રૂ. 85 ઘટયા : કપાસિયા અને પામતેલના ભાવ યથાવત્ 

રાજકોટ, : ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વાવેતર નોર્મલ આખી સીઝનનું 17.50 લાખ હેક્ટર સામે આ વર્ષે અત્યાર સુધીમાં જ 20.11 લાખ હેક્ટરે પહોંચી જતા મબલખ પાકનો અંદાજ મંડાઈ રહ્યો છે ત્યારે સિંગતેલના કૃત્રિમ ભાવવધારામાં પીછેહઠ જોવા મળી છે. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ રાજકોટ બજારમાં આજે એક દિવસમાં રૂ. 30નો ઘટાડો નોંધાયો હતો. 

ગત વર્ષમાં મગફળીનો વિક્રમજનક ૫૨ લાખ ટન પાક ઉતર્યો હતો અને તેના પગલે આ વર્ષે સિંગતેલ સસ્તુ મળતું રહ્યું છે. ગત તા. 28 જૂનના ભાવ રૂ. 2335- 2385ની નીચી સપાટીએ પહોંચ્યા બાદ જૂલાઈના આરંભ સાથે જ તેમાં કૃત્રિમ જણાતો ભાવવધારાનો દોર શરૂ થયો હતો. સપ્તાહ પહેલા ડબ્બાના મહત્તમ ભાવ રૂ. 2485 ની ઉંચી સપાટીએ પહોચ્યા હતા પરંતુ, ગત સપ્તાહમાં મગફળીનું વાવેતર વધીને રેકોર્ડબ્રેક થતા પાક પણ મબલખ થવાની આશા જાગી છે જેના પગલે સિંગતેલના ભાવ આજે રૂ. 30 સહિત ગત સપ્તાહમાં 85 ઘટયા છે અને ૧૫ કિલો તેલનો નવો ડબ્બાના આજે રૂ.2350- 2400 એ સોદા પડયા હતા.

જો કે સાઈડ તેલોમાં મજબૂતાઈ જોવા મળી છે અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂ. 2260- 2310 એ રહ્યા હતા. કપાસિયા તેલનો ઉપયોગ સસ્તા તેલ તરીકે ઘરેલુ વપરાશમાં અને મોટાભાગે ફરસાણના વેપારીઓ કરે છે પરંતુ, આજે સિંગતેલ અને કપાસિયા વચ્ચે ડબ્બે માત્ર રૂ. 90 એટલે કે કિલોએ રૂ. 6નો તફાવત જ રહ્યો છે. જ્યારે પામતેલ પણ રૂ. 1975- 1985ની ઉંચાઈએ ટક્યું છે.