સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન: શેત્રુંજી ડેમ છલોછલ, અમરેલીના 5 ડેમ પણ ઓવરફ્લો
Shetrunji Dam Overflow : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. ગત મોડી રાત્રે 2થી 4 વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં 4 ઇંચ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. આ પૈકી સૌથી વધુ ગઢડામાં 14 ઇંચ, પાલીતાણામાં 12 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, જેસરમાં 11 ઇંચ, મહુવામાં 9 ઇંચ અને રાજુલામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
શેત્રુંજી ડેમ 100% ભરાયો, અસરગ્રસ્ત ગામડાઓને ઍલર્ટ કરાયા
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદના પગલે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે (17 જૂન) બપોરે 1 કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાંને ઍલર્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ અમરેલીના 5 ડેમ ઓવરફ્લો થયા છે. ધાતરવાડી ડેમના તમામ 16 દરવાજા ત્રણ-ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. પાણી છોડતાં પહેલા સાયરન વગાડીને નીચાણવાળા અને નદી કાંઠાના અનેક ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા હતા. આ સિઝનના પ્રથમ ભારે વરસાદમાં જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-ભાવનગર સહિત આ જિલ્લામાં રેડ ઍલર્ટ
ઉલ્લેખનીય છે ચોમાસાના પ્રથમ વરસાદે જ શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યાં છે. 15,340 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.
આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ ઍલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
આ પણ વાંચો: દિલધડક દ્રશ્યો: ભાવનગરના મગલાણા ગામે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા PI ખુદ દોરડું બાંધીને પાણીમાં કૂદી પડ્યા
જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઇન તૂટી
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભૂતિયા ગામ નજીક ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો કોઝવે તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની જૂની પાઇપલાઇન પણ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા
ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાંઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાંઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાંઓને ઍલર્ટ કરી દેવાયા છે.
સવારે 6 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દૃશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.
હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આજે રેડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (17 જૂન) દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરુચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.