સૌરાષ્ટ્રમાં 40 ટકા વરસાદ, 58 ટકા જળસંગ્રહ અને 80 ટકા વાવેતર થયું
સમગ્ર દેશમાં આ વર્ષે 9 દિવસ વહેલું ચોમાસુ છવાયું : ગત સપ્તાહમાં 3 લો પ્રેસર સહિત સીસ્ટમથી ભારે વરસાદ વરસ્યો : રાજ્યમાં ત્રણ દિવસ પછી વરસાદનું જોર ઘટવા વકી
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગત તા. 17 જૂનના ચોમાસાના પ્રવેશ સાથે જ સતત ભારે વરસાદનું હવામાન રહ્યું છે જેના પગલે સૌરાષ્ટ્રમાં 40 ટકા અને રાજ્યમાં એકંદરે 39 ટકા વરસાદ વરસી ગયો છે અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસંગ્રહ વધીને 58 ટકાએ પહોંચ્યો છે તો આ પ્રદેશના 11 જિલ્લાઓમાં આ વર્ષે વહેલી વાવણીથી જૂન અંતિત જ 80 ટકા વાવણી થઈ ગઈ છે.
આજ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં, (1) મૌસમનો સરેરાશ 30 ઈંચ સામે 12 ઈંચ એટલે કે 40 ટકા વરસાદ વરસી ગયો છે, (2) કૂલ 141 ડેમોમાં 57.57 ટકા એટલે કે 52622 MCFT જળસંગ્રહ થયો છે જે ગત વર્ષ કરતા 30,000 MCGT વધારે છે. ઉપરાંત હાલ 12 ડેમો ઓવરફ્લો થયા છે અને (3) સમગ્ર ખરીફ (ચોમાસા) ઋતુમાં ગત વર્ષે સૌરાષ્ટ્રમાં ઓક્ટોબર સુધીમાં 37.85 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, આ વર્ષે તા. 30 જૂન સુધીમાં 30 લાખ હેક્ટર જમીનમાં બીજ રોપાઈ જવા સાથે માત્ર 20 ટકા વાવણી બાકી રહી છે.
આ વર્ષે ચોમાસુ સમગ્ર દેશમાં નોર્મલ તારીખ કરતા 9 દિવસ અને અનેક રાજ્યોમાં એકથી બે સપ્તાહ વહેલુ રહ્યું છે અને ચોમાસાના પ્રવેશ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે તે માટે (1) ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને બંગાળની ખાડીમાં ત્રણ લો પ્રેસર (2) મોન્સૂન ટ્રોફ તેની યોગ્ય સ્થિતિએ અને (3) ભારે વરસાદ લાવતી પૂર્વ-પશ્ચિમ શિઅર લાઈન એ ત્રણ મુખ્ય કારણો ઉપરાંત અલ નીનોની ન્યુટ્રલ સ્થિતિ જે આગામી ચોમાસામાં જળવાઈ રહેવાની શક્યતા તથા હાલ તટસ્થ ભારતીય સમુદ્ર દ્વિધુ્રવની સ્થિતિ વગેરે કારણભૂત છે.