સૌની યોજનાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં નદીઓ વહી, ખેડૂતોના પાકને નુકસાન
સુરેન્દ્રનગરમાં સૌની યોજનાની પાણીની લાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચો ફુવારો ઊડ્યો
સુરેન્દ્રનગર, 24 જાન્યુઆરી 2023 મંગળવાર
નર્મદાની નહેરમાં ભંગાણ થવાથી પાણી વહી જવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. જેના લીધે ખેડૂતોના ખેતરોમાં પાકને નુકસાન થયું હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે હવે સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાંથી પસાર થતી સૌની યોજનાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહી ગયું હતું. પાણી એટલા ફોર્સથી આવતું હતું કે તેનો ફૂવારો જ 20 ફૂટ ઉંચો ઉડ્યો હતો.
દસ જેટલાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ
સૌની યોજનાની આ પાઇપલાઈનના ભંગાણના કારણે આસપાસના ખેતરોમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પાઈપલાઈનના પાણી ફરી વળતાં ખેડૂતોના માથે આફત આવી પડી હતી. વડોદથી નાગડકા તરફ જતી સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં આજે ચોકડી ગામ પાસે ભંગાણ સર્જાયું હતું. પાણીનો ફોર્સ એટલો પ્રચંડ હતો કે ગણતરીની મિનિટોમાં જ આસપાસનાં દસ જેટલાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ખેતરોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો
ખેતરમાં પાણી ફરી વળ્યા હોવાથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. આસપાસનાં દસ જેટલાં ખેતરોમાં ખેડૂતોએ કરેલા જીરા અને ઘઉં સહિતના વાવેતરને નુકસાન થયું હતું. વડોદથી નાગડકા તરફ જતી પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે એટલા ફોર્સથી પાણી નીકળી રહ્યું હતું કે કોઈ વ્યકિતની નજીક જવાની હિંમત પણ ન ચાલે. ભંગાણ અંગેની સરકારી તંત્રને જાણ થતાં પાણી બંધ કરાવ્યું હતું.