ક્લેઇમ ફોર્મમાં મહિલા તબીબની બનાવટી સહીથી છેતરપિંડી કર્યાની ફરિયાદ
સેટેલાઇટ સ્થિત વેલીસ ડાયગ્નોસ્ટીકના ડાયરેક્ટર- કર્મચારીની મિલીભગત
મેડીક્લેઇમ પાસ કરાવવામાં માટે મોટાપાયે કૌભાંડ ચલાવવામાં આવતુ હોવાની આશંકાઃ સેટેલાઇટ પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ,બુધવાર
સેટેલાઇટમાં આવેલી વેલીસ ડાયગ્નોસ્ટીક અને પેથોલોજી દ્વારા એલઆઇસીના મેડીક્લેઇમ પાસ કરાવવામાં મોટુ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં તબીબને તેમની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટના આધારે એલઆઇસીની પેનલમાં લઇને બોગસ સહી સિક્કા કરાવીને ક્લેઇમ પાસ કરાવવામાં આવતા હતા. આ બાબતે મહિલા ગાયનેકને જાણ થતા તેમણે સમગ્ર બાબતે તપાસ કરાવતા મોટા કૌભાંડની ચૌકાવનારી વિગતો સામે આવી હતી. જેના આધારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ કરી છે.શાહીબાગ ડફનાળા મધુરમ ટાવરમાં રહેતા ગાયનેક તબીબ હિરલબેન કોળીએ સેટેલાઇટ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે છેલ્લાં અઢી વર્ષથી શાહપુરમાં આવેલી એક ગાયનેક હોસ્પિટલમાં પ્રેક્ટીશ કરે છે. બે વર્ષ પહેલા શાહપુરમાં આવેલી એક પેથોલોજી લેબના કર્મચારીએ ડૉ. હિરલબેનનો સંપર્ક સેટેલાઇટ સ્થિત શ્રીધર એથેન્સમાં આવેલી વેેલીસ ડાયગ્નોસ્ટીક એન્ડ પેથોલોજીના સેન્ટરમાં પેથોલોજીસ્ટ તરીકે કામ કરતી રશ્મી નામની યુવતી સાથે કરાવ્યો હતો. રશ્મીએ હિરલબેનને કહ્યુ હતું કે તેમની લેબોરેટરીનું એલઆઇસી સાથે મેડીક્લેઇમ કરાર થયેલો છે. જેથી તેમને ક્લાઇન્ટ માટે ગાયનેક તબીબની જરૂર છે. જેમાં તેમને તપાસમાં કરીને સહી કરવાની રહે છે. જેના બદલામાં તેમને નાણાં મળશે. જેથી વિશ્વાસ કરીને હા કહીને રશ્મીને વોટ્સએપ પર મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને મેડીકલ સર્ટીફિકેટ મોકલી આપ્યા હતા.
પરંતુ, ત્યારબાદ હિરલબેનને કોઇ કોલ આવ્યો નહોતો. બીજી તરફ ૧૩મી મેના રોજ તેમને એલઆઇસીમાં મેનેજરનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ેવેલીસ ડાયગ્નોસ્ટીક થી આવેલા મેડીક્લેઇમના એક ફોર્મમાં થોડી તપાસ કરવાની છે. આ ફોનથી હિરલબેન ચોંકી ગયા હતા. કારણ કે તે એલઆઇસીની પેનલમાં નથી અને તેમણે પેનલમાંથી તેમનું કઢાવવાની પ્રક્રિયા કરી હતી. તેમણે એલઆઇસીમાં ક્લેઇમ માટે આવેલુ ફોર્મ તપાસ્યુ ત્યારે જોયુ તો તેમની બનાવટી સહી અને સિક્કા કરવામાં આવ્યા હતા.
બીજી તરફ સમગ્ર ભાંડો ફુટતા રશ્મીએ હિરલબેનને ફોન કરીને કહ્યું હતું કે તમે મેડીક્લેઇમ પ્રોસેસના તમારા ભાગના નાણાં લઇ જાવ. સાથે સાથે વેલીસ ડાયગ્નોસ્ટીકના ડાયરેક્ટરે પણ ફોન કરીને સ્પષ્ટતા કરવા માટે પ્રયાસ કર્યો હતો કે તેમની લેબમાં કામ કરતા રાજેશ અને રશ્મીથી ભૂલ થઇ છે. તમારે નાણાં જોઇતા હોય તો કહી દો. તેમણે તમારી ખોટી સહી કરી છ અને સિક્કા પણ બનાવ્યા છે. જેથી મળીને વાત કરીએ.
આમ, હિરલબેનની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને તેમને એલઆઇસીની પેનલમાં નામ ઉમેરવાનું સામે આવતા તેમણે આ મામલે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ વી જે ચૌઘરીએ જણાવ્યું કે આરોપીઓએ બે વર્ષ સુધી મહિલા ગાયનેકને એલઆઇસીની મેડીકલ પેનલમા સેટ કરીને તેમના સહી સિક્કા કરીને ક્લેઇમ પાસ કરવાનું કૌભાંડ ચલાવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં પાસ કરવામાં આવેલા ક્લેઇમ અંગે તપાસ કરવામાં આવશે. સાથેસાથે વેલીસ ડાયગ્નોસ્ટીક દ્વારા અન્ય તબીબોના નામનો ઉપયોગ કર્યાની આશંકા છે. આમ, આ કૌભાંડમાં આગામી સમયમાં મોટા ખુલાસા થઇ શકે છે.