માલણકા પાસેના જર્જરિત પુલ પર પ્રતિબંધનું માત્ર બોર્ડ મૂકી તંત્રએ સંતોષ માની લીધો
તાલાલા-મેંદરડાને જોડતા સ્ટેટ હાઇ-વે ઉપર પ્રતિબંધનો અમલ ન કરાવાતા ભારે વાહનોની બેરોકટોક અવરજવર : મરંમત માટે અકસ્માતની પ્રતિક્ષા થઇ રહી છે કે શું ? લોકો દ્વારા સવાલ
તાલાલા, : તાલાલાથી સાસણ ગીર-મેંદરડા જતા સ્ટેટ હાઇવે માર્ગ ઉપર સુરજગઢ-માલણકા વચ્ચે વર્ષો પહેલાં બંધાયેલો પુલ જર્જરિત બન્યો છે. તંત્ર દ્વારા પુલ પર ભારે વાહનોને પસાર થવા પ્રતિબંધનું બોર્ડ વર્ષો પહેલાં લગાવી અને પુલની મરમ્મત કે નવનિર્મિત બનાવવાની કામગીરી કરવા આળશ કરી રહ્યુ છે. પુલના રિપેરિંગ માટે તંત્ર અકસ્માતની પ્રતિક્ષા કરી રહેલ હોવાના આક્ષેપો ઉઠયાં છે.
તાલાલા-સાસણ ગીર-મેંદરડા થઇ જૂનાગઢ જતાં સ્ટેટ હાઇવેનાં માર્ગ ઉપર સાસણગીરથી 12 KM દૂર સુરજગઢ-માલણકા ગામ વચ્ચે મોટા વોકળા ઉપર વર્ષો પહેલાં પુલ બંધાયો હતો. આ પુલ જર્જરિત છે. બાંધકામ વિભાગના બાબુઓએ પુલ ભયજનક હોય પુલ ઉપરથી બારે વાહનોએ પસાર થવા પ્રતિબંધ ફરમાવતા બોર્ડ ત્રણેક વર્ષ પહેલાં લગાવી દીધા છતાં પણ મોટા મોટા વાહનો તથા રેતી ભરેલા ડમ્પરો ઉપરાંત ઓવરલોડ ટ્રક અને ટોરસ આખો દિવસ બેરોકટોક ચાલે છે. પુલ ઉપરથી ઓવરલોડ મોટા મોટા વાહનો જ્યારે પસાર થાય ત્યારે પુલ આખો ધુ્રજતો હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. છતાં તંત્ર પુલની મરમ્મત કે નવનિર્મિત બનાવવા કોઇ કાર્યવાહી કરતું નથી.
આ પુલ વર્ષો પહેલાં જર્જરિત થઇ ગયો છે. બાંધકામ વિભાગે પણ ભય સુચક બોર્ડ લગાવ્યું છે. છતાં પણ આ પુલ ઉપર તાલાલાથી જૂનાગઢ, રાજકોટ અમદાવાદ, સુરત જતી ખાનગી બસો માલવાહક ભારે વાહનોને પસાર થતાં અટકાવવા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી માટે ગમે ત્યારે આ પુલ ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત થઇ રહી છે. પુલનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી બાંધકામ ખાતાએ હેવી વાહનો માટે પુલ ઉપરથી પસાર થવા મુકવામાં આવેલા પ્રતિબંધની અમલવારી કરાવે તેવી લોકમાંગણી ઉઠી છે.
સાસણ પાસે હિરણ નદી પરનો પુલ પણ જોખમી
સાસણ ગીરથી ભાલછેલ ગામ વચ્ચેથી પસાર થતી હિરણ નદી ઉપર સાસણ ગીર ગામની ભાગોળે દાયકાઓ પહેલાં બ્રિજ બનાવવામાં આવેલ છે.નદી ઉપરનો આ કદાવર પુલ ઉપરથી જ્યારે વાહનો પસાર થાય ત્યારે વાઈબ્રેશન થતું હોવાનું આ વિસ્તારના રાહદારીઓ તથા ખેડૂતોએ જણાવ્યું છે.વર્ષો પહેલાં હિરણ નદી ઉપર બંધાયેલ પુલ આખો દિવસ ભારે ટ્રાફિક થી ધમધમે છે.આ પુલ પણ જોખમકારક બની ગયો હોવાની ચર્ચાઓ થતી હોય સરકાર તુરંત તપાસ કરી વર્ષો પહેલાં બંધાયેલ જૂના બ્રીજની જરૂરી મરમ્મત કરાય તેવી માંગ ઉઠી છે.