બોપલમાં ફ્લેટના અને જમીનના નાણાં લઇને ૧૩.૫૨ કરોડની છેતરપિંડી
સેેટેલાઇટ પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો
પાંચ ફ્લેટના આઠ કરોડ લઇને દસ્તાવેજ ન કર્યા અને અવેજમાં જમીન અપાવવાનું કહીને સાડા ચાર કરોડ પડાવ્યા
અમદાવાદ,રવિવાર
શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને બોપલ પાસેની એક સ્કીમમાં રોકાણના બદલામાં સારૂ વળતર અપાવવાનું કહીને આઠ કરોડ રૂપિયા લીધા બાદ ફ્લેટના દસ્તાવેજ નહી કરીને તેના અવેજમાં જમીન અપાવવાનું કહીને વધુ સાડા ચાર કરોડની રકમ લઇને ત્રણ શખ્સોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
શહેરના બોડકદેવમાં આવેલા પોપ્યુલર ડોમૈનમાં રહેતા હેમલત્તાબેન કેજરીવાલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પતિ પ્રતિક અગ્રવાલ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર્સ તરીકે કામ કરે છે. જાન્યુઆરી ૨૦૨૪માં પ્રતિકભાઇ પરિચય જીતેન્દ્ર ગોસ્વામી સાથે થયો હતો. જીતેન્દ્ર ગોસ્વામી જમીન-મકાન લે-વેંચનું કામ કરતો હતો. તેણે ગત જુન ૨૦૨૪માં જણાવ્યું હતું કે કેશવ નારાયણ રીયાલીટી કંપનીના રોનક સોેનાની (રહે. વિશ્રામપાર્ક સોસાયટી,વાસણા) અને વિપુલ ગાંગાણી (રહે.શ્રીધર બંગ્લોઝ,બોડકદેવ) અલગ અલગ સ્કીમનું બાંધકામ કરે છે. તેમની સ્કીમમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળે છે. જેથી પ્રતિકભાઇને રોનક અને વિપુલ બોપલમાં વકીલ બ્રીજ પાસે બની રહેલી અક્ષર ઓશીયન નામની સ્કીમ પર લઇ ગયા હતા. જ્યાં પાંચ ફ્લેટની કિંમત આઠ કરોડ નક્કી કરતા પ્રતિકભાઇએ નાણાં ચુકવી દીધા હતા. પરંતુ, નાણાં ચુકવ્યાના અનેક મહિનાઓ બાદ પણ તેમણે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા નહોતા અને જે જમીન પર સ્કીમ બની રહી છે તે જમીનના માલિક સાથે વિવાદનું કારણ આપ્યું હતું.
પરંતુ, આઠ કરોડની અવેજમાં મહેસાણામાં આવેલી જમીન આપવાનું કહેતા પ્રતિકભાઇ તે જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. જે પેટે વધુ સાડા ચાર કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ, તેમ છતાંય, રોનક સોનાની અને વિપુલે જમીનના દસ્તાવેજ કરી આપ્યા નહોતા. જેથી આ અંગે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.