આજે સાસણ જંગલ સફારીનો પ્રારંભ : રાષ્ટ્રપતિનાં આગમન સમયે બંધ
જંગલ તા. 16ને બદલે પ્રથમવાર તા. 7ના ખૂલી રહ્યું છે ગિરનાર નેચર સફારી : બરડા જંગલ સફારી પણ શરૂ થશે : દિવાળીનાં વેકેશન સુધીની મોટાભાગની પરમિટ ફુલ
જૂનાગઢ, : આવતીકાલથી સાસણ જંગલ સફારી શરૂ થઈ રહી છે. દર વખતે ચોમાસાના 4 માસ વેકેશન હોય છે. તા. 16 ઓક્ટોબરથી સફારી ખોલવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રપતિ ગીરની મુલાકાતે આવતા હોવાથી તા. 7ના જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવશે. રાષ્ટ્રપતિના આગમન દરમ્યાન બે દિવસનું ઓનલાઈન બુકિંગ બંધ રાખવામાં આવ્યું છે.
ગીરના ઈતિહાસમાં પ્રથમવાર ચાર માસને બદલે અગાઉ જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી રહી છે. જંગલ સફારીનું આવતીકાલથી દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીનું મોટાભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. તા. 7ના વહેલી સવારે લીલી ઝંડી બતાવી જંગલ સફારીનો પ્રારંભ કરાવવામાં આવશે. તા. 7 અને 8 બે દિવસ સફારી ચાલુ રહ્યા બાદ તા. 9 અને 10નું ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના આગમનને લઈ જો જરૂર પડે તો તા. 11નું બુકિંગ પણ કેન્સલ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જંગલ સફારી શરૂ થયા બાદ 2 દિવસ ચાલશે ત્યારબાદ બે દિવસ કે ત્રણ દિવસ બંધ રહેશે.
રાષ્ટ્રપતિના આગમન દરમ્યાન જંગલ સફારી તથા દેવળીયા સફારી માટે બુકિંગ સહિતની તમામ પ્રક્રિયા સિંહ સદનને બદલે સાસણ ખાતે આવેલી આયુર્વેદિક નર્સરી નજીક સ્થળાંતર કરવામાં આવશે. સાસણ જંગલ સફારીની સાથોસાથ ગિરનારની જંગલ સફારી તથા બરડાની સફારી પણ આવતીકાલથી જ શરૂ થવાની છે. સાસણ જંગલ સફારી શરૂ થાય તે દિવસની સફારી કરવાનો સિંહપ્રેમી અને પ્રકૃતિપ્રેમીમાં ઉમંગ હોય છે. અનેક સિંહપ્રેમીઓ એવા છે કે વર્ષોથી સફારીના પ્રથમ દિવસે અને પ્રથમ ટ્રીપમાં જ સફારી માટે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી ખાસ આવે છે. આમ, સફારી શરૂ થયાને બે દિવસ બાદ બે કે ત્રણ દિવસની સફારી બંધ રહેશે અને ત્યારબાદ દિવાળીના વેકેશન સુધી સાસણ પ્રવાસીઓથી ધમધમતું રહેશે.