રીક્ષામાંથી ગુમ થયેલુ ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું
સરખેજ ઢાળ પાસે પાર્સલ નીચે પડી ગયું હતું
મોબાઇલ ડીલર બાવળામાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં મોબાઇલ ફોનના પાર્સલ આપવા જતા હતા
અમદાવાદ,રવિવાર
મણીનગરમાં રહેતા મોબાઇલ ડીલર મોબાઇલ ફોનના છ જેટલા પાર્સલ લઇને બાવળામાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં આપવા માટે જતા હતા. ત્યારે ઉજાલા સર્કલ પાસે પહોંચતા ૨૦ મોબઇલ ફોન ભરેલું એક પાર્સલ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના સમયમાં શોધીને પરત અપાવ્યું હતું.
મણિનગરમાં રહેતા મીરજભાઇ પંચાલ આશ્રમ રોડ પર આવેલી તેેમની ઓફિસથી મોબાઇલ ફોનના છ પાર્સલ લઇને બાવળામાં આવેલા એમેઝોનના વેરહાઉસ પર આપવા માટે રીક્ષામાં જતા ત્યારે ઉજાલા સર્કલ પાસે પહોચતા જોયુ તો ૨૦ મોબાઇલ ફોન ભરેલું એક પાર્સલ ઓછુ હતુ. જેથી તપાસ કરી હતી. પરંતુ, કોઇ કડી મળી નહોતી.
જેથી આ અંગે સરખેજ પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ધુળિયાએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરાવી હતી. જેમા જોવા મળ્યું હતું કે સરખેજ ઢાળ પાસે બમ્પ આવતા પાર્સલ નીચે પડી ગયું હતુ. જે એક વ્યક્તિ લઇને જતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તપાસ કરીને પાર્સલ લઇને જનાર રફીક મનસુરી (રહે. આફરીન પાર્ક, ફતેવાડી) ની ભાળ મેળવી હતી અને જાણવા મળ્યું હતું કે તે પોલીસ સ્ટેશનમાં પાર્સલ જમા કરાવવા માટે આવી રહ્યા હતા. બાદમાં પોલીસે મીરજભાઇ પાસે મોબાઇલ પાર્સલની ખરાઇ કરાવીને પરત સોંપ્યુ હતું.