બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવીને પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી
પાર્ટી પ્લોટની પાળી કુદીને આવતા રોક્યા હતા
સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને પાંચ આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી

અમદાવાદ,શનિવાર
બોપલમાં વકીલ સાહેબ બ્રીજ પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં ટિકીટ વિના પ્રયાસ કરી રહેલા લોકોને રોકતા આયોજક અને સુરક્ષાકર્મીઓ પર હુમલો કરીને ગરબા બંધ કરાવ્યા હતા. માથાભારે તત્વોએ હુમલો કરતા સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
વિરમગામના સચાણામાં રહેતા હિતેશસિંહ રાજપુતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પિતરાઇ ભાઇ કુલદીપસિંહે બોપલ વકીલ સાહેબ બ્રીજ પાસે આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કર્યું છે. શુક્રવારે રાતના હિતેશસિંહ પાર્ટી પ્લોટમાં ગરબા રમીને પરત જતા હતા ત્યારે કેટલાંક લોકો પાર્ટી પ્લોટની પાળી કુદીને અંદર આવવા માટે પ્રયાસ કરતા હોવાથી તેમને રોક્યા હતા.
આ દરમિયાન પાળીને કુદીને પ્લોટમાં જવાનો પ્રયાસ કરી રહેલા સુરજ ભરવાડ, ધીરેન ભરવાડ, પ્રથમ ભરવાડ, અજય ભરવાડ અને મેહુલ ભરવાડ તેમજ અન્ય લોકો પ્લોટના કાઉન્ટર પર આવ્યા હતા. તેમણે બળજબરીથી પાર્ટી પ્લોટમાં જવાનો પ્રયાસ કરતા ફરીથી તેમને રોકવામાં આવ્યા હતા. જેથી તેમણે હેબતપુરથી અન્ય ૨૦ જેટલા લોકોનું ટોળુ આવ્યું હતું અને તમામ લોકો દાદાગીરીને પાર્ટી પ્લોટમાં ઘુસી ગયા હતા. જ્યાં તેમણે ચાલુ ગરબા બંધ કરાવતા ખૈલૈયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. સાથેસાથે લોકોએ પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી હતી. આ સમયે પ્રથમ ભરવાડ હિતેશસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ મારામારીમાં અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી હતી. આ અંગે સરખેજ પોલીસે હત્યાની પ્રયાસનો ગુનો નોંધીને સુરજ ભરવાડ સહિત પાંચ લોકોની ધરપકડ કરીને અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.