સરખેજમાં યુવકની હત્યા કરનાર ગેંગ વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો
હત્યા, ખંડણી, મારામારી સહિતના ગુનામાં સંડોવણી
આરોપીઓ એમડી ડ્રગ્સના નેટવર્કમાં સડોવાયેલા હતાઃ સરખેજ-જુહાપુરામાં ગેંગ બનાવીને ભય ફેલાવ્યો હતો
અમદાવાદ,સોમવાર
સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં નાણાંકીય લેવડ-દેવડની તકરારમાં યુવકનું અપહરણ કરીને હત્યા કરનાર મુખ્ય આરોપી અને તેની ગેંગ વિરૂદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. હત્યાના કેસમાં સંડોવાયેલી ગેંગ વિરૂદ્ધ હત્યા, ખંડણી, ડ્રગ્સ હેરાફેરી સહિતના અનેક ગુના નોંધાયેલા હતા.
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા યુવકનું અપહરણ કરીને તેને મકરબા વિસ્તારમાં લઇ જઇને નાણાંકીય લેવડ દેવડને મામલે માર મારીને હત્યા કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ વિરૂદ્ધ સરખેજ પોલીસે ગુજસીટોક ( ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેેનાઇઝ્ડ ક્રાઇમ) હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-૭ શીવમ વર્માએ જણાવ્યુ કે યુવકની હત્યા કરનાર ગેંગના ફૈઝલખાન પઠાણ, રબનવાઝ પઠાણ, મુખ્તિયાર ગોરી, મુસ્તુફા શેખ અને આમીન મેમણ નામના આરોપીની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક સગીરની અટકાયત થઇ હતી. પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ફૈઝલખાન પઠાણ અને તેની ગેંગ સંગઠીત થઇને ગુના આચરતી ગેંગ હતી. જેમાં તે હત્યા, મારામારી, હથિયાર, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ડ્રગ્સના ગેરકાયદે ધંધાના કુલ ૩૪ ગુના નોધાયેલા હતા. જેના આધારે સરખેજ પોલીસે ગુજસીટોકની દરખાસ્ત કરતા પોલીસ કમિશનરે મંજુરી આપતા ગુનો નોંધવામાં આવ્યો હતો.