ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી
દારૂની હેરફેર કરનારે નકલી દારૂ તૈયાર કરી વેચવાનું શરૂ કર્યું
સરખેજ પોલીસને બંધ મકાનમાંથી મોટાપ્રમાણમાં દારૂની ખાલી બોટલ, લેબલ અને કેમીકલ અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
અમદાવાદ,સોમવાર
સરખેજના ફતેવાડી વિસ્તારમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડીને નકલી વિદેશી દારૂ તૈયાર કરતી મીની ફેક્ટરી ઝડપી લીધી હતી. ગોમતીપુરમાં રહેતા એક બુટલેગરે મકાન ભાડે રાખી નકલી દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે સ્થળ પર અસલી દારૂની બોટલ, કેમીકલ, ખાલી બોટલ, લેબલ અને ઢાંકણા તેમજ વિવિધ મશીનરીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
સરખેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ ભરતસિંહને રવિવાર સાંજે બાતમી મળી હતી કે ફતેવાડી મોહંમદી સોસાયટીમાં અખ્તરઅલી સૈયદ નામનો વ્યક્તિ મકાનમાં બનાવટી વિદેશી દારૂ તૈયાર કરીને વેચાણ કરવાની સાથે સપ્લાય કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘર બંધ હાલતમાં હતું અને તેના મકાન માલિક ઇદરીશખાન પઠાણને બોલાવીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અખ્તરઅલીએ ત્રણ મહિના પહેલા તેનું મકાન ભાડેથી લીધું હતું. બાદમાં પોલીસે ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો, વિવિધ બ્રાંડના ઢાંકણા, લેબલ અને સ્ટીકર્સ તેમજ તૈયાર કરવામાં આવેલો નકલી દારૂનો જથ્થો ટાંકીમાંથી મળી આવ્યો હતો. તેમજ આલ્કોહોલ સહિતના કેમીકલ પણ મળી આવ્યા હતા.
આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એ ગોહિલે જણાવ્યું કે ગોમતીપુર નાગપુર વોરાની ચાલીમાં રહેતો અખ્તરઅલી સૈયદ દારૂ બનાવીને વિવિધ સ્થળે અસલી દારૂના નામે દારૂની બોટલ એક થી દોઢ હજારમાં વેચાણ કરતો હોવાની શક્યતા છે. અગાઉ તેના વિરૂદ્ધ દારૂની હેરફેર અને વેચાણ કરવાના ત્રણ ગુના પણ નોંધાઇ ચુક્યા છે. ત્યારે આરોપીની ધરપકડ ૂબાદ વધુ વિગતો સામે આવી શકે છે.
ફોરેન્સીક ઓફિસરના જણાવ્યા મુજબ સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલો શંકાસ્પદ દારૂનું સેવન કરવાથી મોટાપ્રમાણમાં આડઅસર થઇ શકે છે અને કેમીકલ પ્રમાણ ઓછુ વધતુ થતા દારૂ પીનારનો જીવ પણ જઇ શકે છે. ત્યારે આ મામલે પોલીસે પોલીસે આરોપીની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી છે.