અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એક નિર્દોષનું મોત, ત્રણની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sarkhej Riot News : અમદાવાદના સરખેજમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે અને અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
DCP ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે આશરે 9.30થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન સરખેજ ગામના ઠાકોરવાસમાં હત્યાની એક ઘટના બની છે, જેમાં ઠાકોર સમાજના જ બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ અથડામણમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોરને ઈજાઓ પહોંચી છે. હાલમાં અમારી પોલીસની વિવિધ ટીમો ફિલ્ડમાં કાર્યરત છે અને અમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલું એક સ્ટેટસ મોતનું કારણ બન્યું
અમદાવાદના સરખેજ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલું એક સ્ટેટસ મોતનું કારણ બન્યું છે. બે વર્ષથી ચાલતા પ્રેમ પ્રકરણ અને આડા સંબંધોનો ખાર રાખીને ગત રાત્રે સરખેજ ગામમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. પત્ની સાથેના આડા સંબંધોની અદાવતમાં આશિષ ઠાકોર પર હુમલો કરવા આવેલા શખ્સોએ ગોવિંદ ઠાકોરની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી સહિત 2 શખ્સોને દબોચી લીધા છે
અમદાવાદના સરખેજ ગામમાં મોડી રાત્રે ચીસ અને આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ ચોપડે નોંધાયેલ વિગત એવી છે કે, આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને મેથીપાક ચખાડ્યો હતો, જોકે ત્યારે સામાજિક સમાધાન થઈ ગયું હતું. પરંતુ 17મીની રાત્રે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાતને લઇને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો.
આ વાતનો ખાર રાખીને 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં પુરાઈ ગયો, ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ આશિષના પરિવાર પર હુમલો કરી દીધો. આ લોહિયાળ હુમલામાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ
સરખેજ પોલીસે આ મામલે રાયોટિંગ અને હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મહેશ રામજી ઠાકોર ઉર્ફે રાજુ ભાભરની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ સક્રિય થઈને ફરાર અન્ય બે આરોપીઓ ભરત ઠાકોર અને હર્ષિલ ઠાકોરને દબોચી લીધા છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ હજુ પ્રતાપ ઠાકોર, વિશાલ ઠાકોર અને સંજય ઠાકોર ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. ત્યારે પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે જૂનું પ્રેમ પ્રકરણ અને સોશિયલ મીડિયા પર બીભત્સ સ્ટેટસ મૂકવા બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગોવિંદ ઠાકોર નામના વ્યક્તિનું મોત થયું છે. અમે 6 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, જેમાંથી 3ની ધરપકડ થઈ ગઈ છે અને બાકીના 3 આરોપીઓને પકડવા તજવીજ ચાલુ કરી છે ત્યારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને પારિવારિક અદાવત આજે એક નિર્દોષ યુવકના મોતનું કારણ બન્યું છે.

મૃતક યુવકના ભાભીએ જણાવ્યું કે, તે લોકો પૂરી તૈયારી સાથે જ આવ્યા હતા. શરૂઆતમાં ચાર-પાંચ જણા એક્ટિવા પર આવ્યા અને એવું નાટક કર્યું કે તેઓ ફક્ત વાત કરવા આવ્યા છે. જ્યારે અમે બધા ઘરની બહાર વાત કરવા નીકળ્યા, ત્યારે તેમણે અચાનક જ ગુસ્સે થઈને ગાળાગાળી શરૂ કરી અને અમારા પર હુમલો કરી દીધો. તેઓ બીજા લોકોને પણ પાછળથી બોલાવીને લાવ્યા હતા અને અચાનક અમને મારીને ભાગી ગયા.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા છોકરાના મોત માટે અમને ન્યાય જોઈએ અને તે રાજિયો તથા હર્ષિલને ફાંસીની સજા થવી જોઈએ. આ લોકો હવે અમારા ગામમાં રહેવા જ ન જોઈએ, તેમના મકાનો તોડી પાડવા જોઈએ અથવા તો સળગાવી દેવા જોઈએ. પોલીસવાળાએ પણ અમને કોઈ સાથ આપ્યો નથી, તેઓ તો તેમની સાથે જ વાતો કરતા હતા અને તેમનું જ ધ્યાન રાખતા હતા. જો પોલીસ કંઈ નહીં કરે, તો અમારું આખું કુટુંબ ભેગું થઈને જે કરવું પડશે તે અમે જાતે કરીશું.









