૧.૨૦ કરોડ રૃપિયામાં સોદો નક્કી કરીને
થાઈલેન્ડ અને બાલીમાં દોઢ મહિના સુધી રાખીને ફેરવ્યા ચાર એજન્ટો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા સરઢવ ગામના ખેડૂતના પુત્ર અને પુત્રવધુને અમેરિકા મોકલવાના બહાને એજન્ટો દ્વારા ૧.૨૦ કરોડ રૃપિયામાં સોદો નક્કી કરીને દંપતીને થાઈલેન્ડ અને બાલીમાં દોઢ મહિના ફેરવી પરત મોકલી દીધા હતા.જોકે ૪૦ લાખ રૃપિયા પરત નહીં કરતા આ ચાર એજન્ટો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલમાં લોકોને વિદેશ મોકલવા માટે ઠગ એજન્ટો દ્વારા લાખો
કરોડો રૃપિયા પડાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા સરઢવ
ગામમાં રહેતા ખેડૂત જશવંતભાઈ બળદેવભાઈ પટેલને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના
પુત્ર સાગરને અમેરિકા જવાનું હોવાથી જશવંતભાઈ એજન્ટની શોધમાં હતા તે દરમિયાન ગત મે
૨૦૨૪માં સાગરની મુલાકાત એજન્ટ સંજય ચંડીદાસ ગઢવી, રહે સ્વાગત એપાર્ટમેન્ટ સરગાસણ, નિલેશ શામળદાસ
પટેલ રહે, શુભ
રેસિડેન્સી, પ્રાંતિજ, પિનાકીન ભગુભાઈ
પટેલ અને તેની પત્ની નીલમ પટેલ રહે,
રાધે બંગલો જનતાનગર તલોદ સાથે મુલાકાત થઈ હતી. આ એજન્ટો દ્વારા દંપતીને
અમેરિકા મોકલી આપવાની વાત કરી ૧.૨૦ કરોડ રૃપિયામાં સોદો નક્કી કર્યો હતો. જેથી
જશવંતભાઈ દ્વારા ભેગા કરેલા રૃપિયા સંજય ગઢવી, નિલેશ પટેલ અને પિનાકીન પટેલને ૬૦ લાખ રૃપિયા આપવામાં આવ્યા
હતા. ત્યારબાદ આ એજન્ટો સાગર અને તેની પત્નીને એરપોર્ટ લઈ ગયા હતા. જ્યાં સંજય
ગઢવીએ દંપતીને પહેલા મુંબઈ લઈ જઈ ત્યાંથી અમેરિકા ન્યૂયોર્કમાં ઉતારી બધી વ્યવસ્થા
કરી હોવાની ખાતરી આપી હતી. મુંબઈમાં દસ દિવસ રોકાણ કરાવીને બાલી, થાઈલેન્ડ દોઢ
મહિના સુધી ફેરવ્યા હતા અને ત્યારબાદ જશવંતભાઈની દીકરા સાથે વાતચીત બંધ થઈ જતા તેઓ
ચિંતામાં મુકાયા હતા ત્યારે નિલેશ અને પીનાકીને કહ્યું હતું કે, વિઝા થયા નહીં
હોવાથી બંનેને અલગ અલગ દેશમાં ફેરવવામાં આવી રહ્યા છે. જોકે વિઝા થઈ ગયા હોવાનું
કહીને વધુ ૧૫ લાખ રૃપિયા પડાવ્યા હતા પરંતુ તેઓ અમેરિકા પહોંચ્યા ન હતા. જેથી
તેમને પરત બોલાવી લીધા હતા અને રૃપિયા પરત માગતા ૪૫ લાખ ટુકડે ટુકડે પરત કર્યા હતા
પરંતુ ૪૦ લાખ હજી સુધી નહીં આપતા અને ફોન પણ બંધ કરી દેતાં પેથાપુર પોલીસ મથકમાં
છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


