Get The App

સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી 1 - image

વડોદરાઃ આઝાદી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરુપે યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સરદાર પટેલ  માત્ર એક મતથી જીત્યા હતા અને આ એક મતે દેશની તકદીર બદલી નાંખી હતી તેમ પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરીના સભ્ય તથા ઈતિહાસકાર ડો.રિઝવાન કાદરીએ જણાવ્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીના ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપ એન્ડ ગર્વનન્સ દ્વારા દેશની એકતાના પ્રતિક સરદાર પટેલ પર બે દિવસના સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરાયું છે.જેના પહેલા દિવસે ડો.કાદરીએ ઓનલાઈન સંબોધનમાં રસપ્રદ જાણકારી આપતા કહ્યું હતું કે,સત્તામાં મહિલાઓને ભાગીદાર બનાવવાની પહેલ સરદાર પટેલે કરી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટેનો ઠરાવ ૧૯૧૯માં સરદાર પટેલે પસાર કર્યો હતો.આજે આધુનિક ભારતમાં મહિલાઓને સત્તામાં ભાગીદારી મળી છે.

ડો.કાદરીનું કહેવું હતું કે, બંધારણમાં પુખ્તવયના તમામ નાગરિકોને મતાધિકાર આપવામાં આવે તેમાં પણ સરદાર પટેલનું બહું મોટું યોગદાન હતું.તેમણે તે સમયના મુંબઈ પ્રાંતમાંથી સંવિધાન સભામાં ઉમેદવારી નહીં નોંધાવીને તેમની જગ્યાએ ડો.આંબેડકરને નોમિનેટ કરવા માટે પણ કોંગ્રેસી આગેવાન ગણેશ માવળંકરને પત્ર લખ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટનો કલર પણ બદલાશે

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી  ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટના પૂર્વ જનરલ મેનેજર સંજય જોષીએ કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ રેકોર્ડ ટાઈમમાં પૂરો થયો હતો.જેના પર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સતત  મોનિટરિંગ હતું.આ પ્રતિમાની એક વિશેષતા એ પણ છે કે, દુનિયાની તમામ મોટી પ્રતિમાઓના બેઝ પાસે પગ વચ્ચે અંતર નથી રખાયું.જ્યારે સરદાર પટેલની પ્રતિમામાં તેમના બે પગ વચ્ચે અંતર છે અને તેના માટે ખાસ  સ્ટ્રકચર ડિઝાઈન કરાયું હતું.આ પ્રતિમામાં મેટલનો ઉપયોગ કરાયો છે.મેટલ વાતાવરણના સંપર્કમાં આવતું હોવાથી સેંકડો વર્ષ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટનો રંગ પણ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ લીલાશ પડતો થઈ જશે.