આજે હોલિકા દહન, આવતીકાલે સપ્તરંગી પર્વ ધુળેટીની ધામધૂમ સાથે ઉજવણી કરાશે
ગિરનાર ઉપર અંબાજી મા અને ચોટીલા ડુંગર પર ચામુંડા માના મંદિરે પરંપરાગત હોળી પ્રગટાવાશે
દ્વારકાધીશ મંદિરે જામશે ભારે ભીડ, સૌરાષ્ટ્રમાં 3000થી વધુ સ્થળે આયોજનો
Holi news | ભક્ત પ્રહલાદને મારવા અગ્નિ સ્પર્શી શકે નહીં તેવી સિદ્ધિ મેળવનાર હોલિકા હોળીમાં સળગી ગઈ અને ભગવાનની કૃપાથી ભક્ત હેમખેમ બહાર આવ્યા અને સમગ્ર વિશ્વને આસુરી અને અસત્યની શક્તિ ગમે એટલી તાકાતવાર લાગતી હોય પણ અલ્પજીવી રહે છે, તેનો પરાજ્ય નિશ્ચિત હોય છે અને સત્યની શક્તિથી બાળક પણ અંતે વિજયી બને છે. આ મહાન પર્વને આવતીકાલે સૌરાષ્ટ્રમાં સમગ્ર રાષ્ટ્રની સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે. આવતીકાલે રાત્રે ઠેરઠેર હોલિકા દહનનું પર્વ પરંપરાગત રીતે ઉજવાશે અને સોમવારે રંગોનો તહેવાર ધુળેટી પરિવારજનો, મિત્રો, આત્મીય જનો સાથે હર્બલ રંગોથી ઉજવાશે. દૈવી પર્વમાં આસુરી શખ્સો રંગમાં ભંગ ન પાડે તે માટે ઠેરઠેર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સૌરાષ્ટ્રમાં આશરે ત્રણ હજારથી વધુ સ્થળે હોળી પ્રાગટય થાય છે જેમાં લાકડા અને ગાયના છાણાનો ઉપયોગ થતો હોય છે. આજે ગામેગામ હોળીના છાણાની ગોઠવણી શરુ થઈ હતી. હવે લોકોમાં આવેલી જાગૃતિના પગલે ગૌશાળાઓ ગાયના ગોબરમાંથી લાકડા જેવી સ્ટીક બનાવે છે. જેનો વ્યાપક ઉપયોગ શરુ થયો છે. આસ્ટીક સળગતા પ્રદુર્ષણ વધતું નથી પણ એક પ્રકારે વિશાળ પાસે ધૂપ, હવન થાય છે.
ગીરનાર પર્વત ઉપર પાંચ હજાર પગથિયાએ બીરાજતા અંબાજી માતાજીના સાનિધ્યમાં પરંપરાગત સાંજે ૭ પછી હોળી પ્રગટાવાશે અને ત્યારબાદ સમગ્ર જુનાગઢ સહિત વિસ્તારમાં હોળી પ્રગટે છે. આ જ રીતે ચોટીલા ડુંગર પર બીરાજતા ચામુંડા માતાજીના મંદિર પરિસરમાં હોળી પ્રગટાવાય છે. જ્યાં વર્ષ દરમિયાન એકત્ર થતા નાળિયેરના છોતરાં વગેરેનો ઉપયોગ થાય છે. આ બન્ને સ્થળ ઉપરાંત દ્વારકાધીશ મંદિર ખાતે હોળી,ધુળેટીનું ખૂબ જ ઐતહાસિક ધામક મહત્વ રહ્યું છે. રાજ્યભરમાંથી દોઢેક લાખ લોકો જેમાં માલધારીઓ મુખ્ય હોય છે. તે પદયાત્રા કરીને દ્વારકા પહોંચે છે, આશરે પાંચથી સાત લાખ લોકો ત્યાં આ પર્વને રવિવારે ઉજવશે.
અગ્નિતત્વનું આરોગ્યરક્ષા તેમજ હવામાન શુધ્ધ કરવા ઘણુ મહત્વ છે અને તેથી હોળીને ઈકોફ્રેન્ડલી ઉત્સવ ગણાય છે. લોકો હોળીમાં હવા શુધ્ધ કરતા દ્રવ્યો હોમે છે, પરંપરાગત રીતે તેમાં ધાણી, દાળિયા, ખજુર વગેરે ઉપરાંત શ્રીફળ હોમવામાં આવે છે અને શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાાનિક રીતે મહત્વની એવી હોળીની પ્રદક્ષિણા કરાય છે. હોળીની નીચે જમીનમાં માટીના માટલામાં કાચુ અનાજ રાખવામાં આવે છે. જે હોળી પુરી બાદ પ્રસાદ તરીકે વિતરણ થાય છે અને તે આરોગવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક મનાય છે. આ નિમિત્તે લોકો જે ખજુર, ધાણી, દાળિયા ખાય છે તે પણ પૌષ્ટિુક અને આરોગ્યપ્રદ છે.
કાઠીયાવાડમાં સદીઓ જુની અને છતાં આજના યુગમાં પણ યથાર્થ ઠરતી માન્યતા રહી છે કે હોળીના તાપથી હવામાં મિશ્રતુથી વિષાણુનો ઉપદ્રવ ઘટે છે અને હોળી તાપ્યા પછી ઠંડી વિદાય લે છે અને ગ્રીષ્મ તુનું આગમન થાય છે. આ કારણે લોકો હોલિકાદહનનું દર્શન કરવાનું ચૂકતા નથી.
સૌરાષ્ટ્રની બજારોમાં આજે કરિયાણાની દુકાનોએ ખાસ કરીને મહિલાઓ દ્વારા ધૂમ ખરીદી નીકળી હતી જેમાં પતાસા, હાયડો, નારિયેળ, ધાણી, દાળિયા, ખજુર વગેરેની ખરીદી જોવા મળી હતી. તો રંગરસિયાઓએ રંગોના પાઉચ, અવનવી પિચકારી વગેરેની ખરીદી કરી હતી. બજારમાં આ વસ્તુઓમાં પણ આશરે 20 ટકા જેવો ભાવ વધારો જોવા મળ્યો છે. જો કે હવે મોંઘી ખરીદી અને ખાસ કરીને ઘાટા, હલકી કક્ષાના રંગોથી યુવાનો પણ દૂર રહેવા લાગ્યા છે.