સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ
Santalpur News : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ જગ્યાએ ડૂબવાની ઘટના સામે આવી છે. સાંતલપુરમાં નદીના વહેણમાં 3 લોકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.
બીજી ઘટનામાં નળીયા ગામ નજીક ખારી નદીમાં નહાવા ગયેલા 5થી વધુ લોકો ડૂબ્યા હતા. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી યુવકો તણાઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ચાર યુવકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે. શોધખોળ માટે SDRFની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.