ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો
5માંથી 1 આરોપી ઝડપાયો, 4 ફરાર :જૂનાગઢથી રાજસ્થાન બસમાં જતા હોવાની બાતમીના આધારે તપાસ કરતા મુદ્દામાલ મળ્યો પણ આરોપી હાથ ન લાગ્યા
જૂનાગઢ, : ગિરનાર અને દાતારના જંગલમાં ચંદન ચોર ટોળકી છેલ્લા ઘણા સમયથી સક્રિય થઈ છે. અગાઉ દાતારની સીડી નજીકથી ચંદનના વૃક્ષો કટીંગ કરી નાખ્યા હતા. બે-ત્રણ દિવસથી ચંદન ચોર ટોળકી સક્રિય થઈ હોવાની બાતમી મળતા વન વિભાગનો સ્ટાફ વોચમાં હતો. વોચ દરમ્યાન એક શખ્સ પકડાયો અને ત્રણ શખ્સો નાસી ગયા અને એક હજુ જંગલમાં છુપાયો હોવાની આશંકાના આધારે ચાર ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ડુંગર દક્ષીણ રેન્જના ખોડીયાર રાઉન્ડની દાતાર સીડી ચંદનના વૃક્ષ કાપવાની હિલચાલ થતી હોવાની બાતમી મળી હતી. વન વિભાગનો સ્ટાફ વોચમાં હતો ત્યારે એક અજાણ્યો ઈસમ ભવનાથના પાજનાકા પુલ પાસે નીકળતા તેને ઝડપી તેની પૂછપરછ કરતા તેનું નામ વીરમારામ મોતીરામ કલાવા રહે.સાટીયાખેડી, જી. ઉદયપુર વાળો હોવાનું ખુલ્યું હતું. ચંદનચોરીની ઘટનામાં તેની સાથે કુલ પાંચ શખ્સો હતા જેમાંથી ત્રણ શખ્સો જૂનાગઢથી રાજસ્થાન જવા માટે મજેવડી દરવાજેથી ઉપડતી રાજગુરૂ ટ્રાવેલ્સમાં જવાના હતા. આ બાતમીના આધારે ટ્રાવેલ્સની ઓફિસ તથા ડ્રાઈવર સાથે વાત કરી તપાસ કરતા બસ જેતપુર ટોલનાકા પાસે પહોંચી ગઈ હતી ત્યાં વન વિભાગની ટીમે બસને રોકી તપાસ કરતા ત્રણેય શખ્સો મળી આવ્યા નહી જ્યારે જંગલમાંથી ચોરી કરેલા ચંદનના વૃક્ષનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
એક શખ્સ હજુ જંગલમાં જ છુપાયો હોવાની બાતમીના આધારે વન વિભાગની 4 ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે વન વિભાગના ડીસીએફ અક્ષય જોષીએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી ૧ લાખની કિંમતના પ૦ કિલો ચંદનના વૃક્ષો મળી આવ્યા છે. ચંદન ચોર ટોળકીએ ચાર વૃક્ષોનું કટીંગ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ પણ ચંદન ચોર ટોળકીએ દાતારની સીડી નજીક વૃક્ષોનું કટીંગ કર્યું હતું ત્યારે નાસી જવામાં સફળતા મળી હતી. આ વખતે એક આરોપી પકડાતા ચંદન ચોર ટોળકીનું રાજ ખુલી પડયું છે. વન વિભાગ દ્વારા ચંદન ચોરી મામલે રાજસ્થાન સુધી તપાસ લંબાવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.