Get The App

ફોરેસ્ટ સ્ટાફ પર કુહાડી- કરવતના ઘા કરીને ચંદન ચોરો નાસી છુટયા

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ફોરેસ્ટ સ્ટાફ પર કુહાડી- કરવતના ઘા કરીને ચંદન ચોરો નાસી છુટયા 1 - image

દાતાર પર્વત પર ચંદનનાં છથી સાત વૃક્ષોનો સોથ વાળી દીધો

300 પગથિયાં નજીક વૃક્ષોનાં કટિંગનો અવાજ આવતાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો પરંતુ તસ્કર ટોળકીને પકડવામાં નિષ્ફળતા

જૂનાગઢ: ગત રાત્રે દાતાર પર્વતની સીડી પર વનતંત્રનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેવામાં લાકડા કપાતા હોવાનો અવાજ આવતો હતો. આ અંગે તેણે અન્ય કર્મચારી અને અધિકારીઓને જાણ કરતા વનતંત્રનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જે વિસ્તારમાં અવાજ આવતો હતો તેને કોર્ડન કર્યો હતો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશામાં વનકર્મીઓ પહોંચતા ચંદન ચોર ટોળકીએ વનતંત્રના સ્ટાફ પર કુહાડી અને કરવતના ઘા કરી નાસી છુટયા હતા. વનતંત્રએ હજુ પણ આ વિસ્તારને કોર્ડન કરીને ચંદન ચોર ટોળકીને પકડવા કોમ્બીંગ શરૂ રાખ્યું છે.

ગિરનારના જંગલમાં અનેક સ્થળે કિંમતી ચંદનના વૃક્ષો આવેલા છે. અનેકવાર ચંદનની તસ્કરી કરવામાં આવી છે. ઘણીવાર ચંદન ચોર ટોળકી પકડાઈ ગઈ છે અને ઘણીવાર હાથ લાગતી નથી. સોમવારના રાત્રીના સમયે દાતાર પર્વતની સીડીના ૩૦૦ પગથિયાની સામે ડાબી બાજુ પ૦૦ મીટર દુર ચંદનના વૃક્ષો આવેલા છે તેને કાપવામાં આવતા હોય તેવો અવાજ આવતો હતો. વનતંત્રના શ્રમિકોએ આ અવાજ સાંભળી ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ ૧પથી ર૦ જેટલા વનકર્મી અને અધિકારીઓ તાત્કાલીક ત્યાં દોડી જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. વનતંત્રનો સ્ટાફ ચંદનના લાકડા કાપનાર શખ્સો પાસે પહોંચી ગયા હતા તેમાંથી એક શખ્સ હાથમાં આવી જાય તેમ હતો પરંતુ ચંદન ચોર ટોળકીએ વનતંત્રના સ્ટાફ પર કુહાડી અને લાકડા કાપવાની કરવતનો ઘા કરી નાસી છુટી હતી. 

આ મામલે જૂનાગઢના ડીસીએફ અક્ષય જોષી અને આરએફઓ ભાલીયાએ જણાવ્યું હતું કે, અમને મળેલી હકીકતના આધારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચંદન ચોર ટોળકી નજીક પહોંચ્યા ત્યારે તેઓ પાંચથી છ લોકો હોવાનું જોવા મળતું હતું, તેઓ ભાગતા-ભાગતા હિન્દીમાં વાતચીત કરતા હતા, વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા ટોળકીને મુદ્દામાલ લઈ જવામાં સફળતા મળી નથી. છથી સાત જેટલા નાના ચંદનના વૃક્ષનું કટીંગ કરી નાખ્યું હતું. સ્થળ પરથી ચંદનના લાકડા, કુહાડી, કરવત સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ચંદન ચોર ટોળકીને પકડવા માટે સમગ્ર વિસ્તારને ગત રાતથી કોર્ડન રાખવામાં આવ્યો છે. વન વિભાગના અગાઉ ૧પથી ર૦ લોકો કોમ્બીંગમાં હતા ત્યારબાદ વધુ સ્ટાફની જરૂર પડતા અન્ય ૧પથી ર૦ મળી ૪૦ જેટલા વનકર્મી અને અધિકારીઓ આ કોમ્બીંગમાં જોડાયા હતા. આ ટોળકી અગાઉ રેકી કરી ગઈ હોય અને જંગલની અનુભવી ટોળકી હોવાનું તેમની પ્રાથમિક વર્તુણક પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવે પોલીસની મદદ લઈ ટેકનિકલ સોર્સ, સીસીટીવી કેમેરા સહિતની મદદ વડે ચંદન ચોર ટોળકીને પકડવા પ્રયાસો ચાલી રહ્યા છે.