Get The App

લાલપુરા નજીકની મહીસાગર નદીના પટમાં રેતી ખનન પર તવાઈ : 1 કરોડની મત્તા જપ્ત

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
લાલપુરા નજીકની મહીસાગર નદીના પટમાં રેતી ખનન પર તવાઈ : 1 કરોડની મત્તા જપ્ત 1 - image

- ગાંધીનગર સ્થિત ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડ ટીમનો સપાટો 

- નદીના પટમાં સિમેન્ટના ભૂંગળા નાખી વહેણને અવરોધી ભારે વાહનો પસાર થઈ શકે તેવા રસ્તાઓ બનાવી દીધા : ખેતરો ભાડે રાખી ખનનની પ્રવૃત્તિ આચરતા હોવાનું સામે આવ્યું

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા તાબેના લાલપુરા ગામ પાસે પસાર થતી મહીસાગર નદી અને આસપાસના વિસ્તારમાં બેફામ બની ચૂકેલા રેતી માફિયાઓ પર આખરે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં ગેરકાયદેસર રેતી ખનનના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ દરોડામાં રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી કે, લાલપુરા પંથકમાં રોયલ્ટી પાસ વિના મોટાપાયે રેતી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. દરોડા દરમિયાન અધિકારીઓને ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. ખનન માફિયાઓએ કાયદાના ડર વગર નદીના પટમાં સિમેન્ટના મોટા ભૂંગળા નાખીને પાણીનો પ્રવાહ અવરોધી, વાહનોની હેરફેર માટે ગેરકાયદેસર રસ્તાઓ બનાવી દીધા હતા. સ્થળ પરથી વિભાગે રેતી કાઢવા વપરાતા બે તોતિંગ હિટાચી મશીન અને ત્રણ નાવડીઓ સહિત કુલ રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કૌભાંડમાં સામે આવ્યું હતું કે, ભૂમાફિયાઓ હવે નદીના પટની સાથે ખેડૂતોની જમીનોને પણ નિશાન બનાવી રહ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, માફિયાઓ દ્વારા આસપાસના ખેતરો ભાડે રાખવામાં આવે છે અને બાદમાં ત્યાં એટલી હદે ખોદકામ કરવામાં આવે છે કે, ઉપજાવ અને ખેતીલાયક જમીનનો સાવ સત્યાનાશ વળી ગયો છે. ફળદ્રુપ ખેતરોને મોટા ખાડાઓમાં ફેરવી નાખી પર્યાવરણ અને ખેતીને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોડની આ આકસ્મિક કાર્યવાહીને પગલે સ્થાનિક રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા વાહનો સીઝ કરી, જમીન અને નદીને નુકસાન પહોંચાડવા બદલ તેમજ ચોરી કરવા બદલ કસૂરવારો સામે કડક દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.