ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો
સાણંદમાં ટ્રોલીબેગમાં મળી આવેલા મૃતદેહનો મામલો
મૃતક પાસે બિહારમાં જમીન-મકાન હોવાથી અપહરણ કરીને માંગેલી ખંડણી ન મળતા મોતને ઘાટ ઉતાર્યો હતો
અમદાવાદ,શનિવાર
સાણંદના પાંજરાપોળ પાસે આશરે બે મહિના પહેલા એક ટ્રોલી બેગમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં સાણંદ પોલીસે સમગ્ર કેેસનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ટાટા મોટર્સમાં નોકરી કરતો હતો. બિહારમાં તેની પાસે મોટા પ્રમાણમાં મિલકતો હોવાથી તેની સાથે કામ કરતા સહકર્મીઓએ તેનું અપહરણ કરીને ૧૫ લાખની ખંડણી માંગી હતી. પરંતુ, મૃતકે નાણાં આપવાની ના કહેતા તેની હત્યા કરીને લાશને ટ્રોલી બેગમાં ભરીને ફેકી દેવામાં આવી હતી. આ અંગે સાણંદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદના મક્તિધામ પાસે આવેલા પાંજરાપોળ પાસેની જમીન પર ગત ૧૦મી જુનના રોજ પોલીસને એક ટ્રોલી બેગમાં છુપાવેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અનુસંધાનમાં સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ જી રાઠોડે તપાસ શરૂ કરી ત્યારે માહિતી મળી હતી કે ટાટા મોટર્સમાં કામ કરતો નિરજંન શર્મા નામનો કર્મચારી ઘણા દિવસોથી લાપતા છે અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ છે. જેથી પોલીસે પાંજરાપોળ પાસેથી મળી આવેલા મૃતદેહના કપડા અને અન્ય સાંયોગિક પુરાવા સાથે લાપતા યુવક અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મળી આવેલો મૃતદેહ નિરજંન શર્માનો હતો.
શ્વાસ રૂંધીને તેની હત્યા કરવામાં આવી હોવાનો રિપોર્ટ મળતા ટેકનીકલ એનાલીસીસ અને સ્થાનિક સુત્રોની મદદથી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હત્યાના આગળના દિવસે તેના ત્રણ મિત્રો રવિ, સન્ની અને સોનલકુમાર નામના મિત્રો સાથે હતો. જે ટાટા મોટર્સમા નોકરી કરતા હતા. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે ત્રણેય જણા ૧૦ જુન બાદ રજા પર ઉતરી ગયા હતા અને તેમના ફોન સ્વીચ ઓફ હતા. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને રવિ રાય (રહે. ગઢીયા કોલોની, પીજી, સાણદ) અને સોનલકુમારને ઝડપી લીધા હતા. બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે નિરંજન શર્માની બિહારમાં જમીન-મકાન સહિતની મિલકતો હતી. જેથી રવિ અને સોનલકુમારે તેમના મિત્ર સન્ની મંડલ સાથે મળીને નિરંજન શર્માનું અપહરણ કરીને તેની પાસેથી લાખોની ખંડણી માંગવાનું નક્કી કર્યું હતું અને ૯મી જુનના રોજ તેનું અપહરણ કરીને રૂમ પર લઇ જઇને તેને બાંધવાનો પ્રયાસ કરીને ૧૫ લાખની ખંડણી માંગી હતી. પરંતુ, નિરંજને નાણાં આપવાની ના કહેતા સન્નીએ ઓશિકાથી તેનું મો દબાવીને હત્યા કરી હતી. બાદમાં લાશને એક ટેલી બેગમા સંતાડીને સગેવગે કરવાના ઇરાદે સાણંદમાં ખુલ્લી જમીનમાં ફેંકી દીધી હતી. આ અંગે સાણંદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.