Gujarat

સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડકાયો

By GS TEAM
3 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. વગર નોટિસે અને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોના હૃદય સમાન ખેતરોની વચ્ચેથી પાઈપલાઈન નાખવાની તંત્રની મનસ્વી નીતિ સામે અન્નદાતાઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેડૂતોના ભારે વિરોધને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડકાયો

Farmers Protest In Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. વગર નોટિસે અને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોના હૃદય સમાન ખેતરોની વચ્ચેથી પાઈપલાઈન નાખવાની તંત્રની મનસ્વી નીતિ સામે અન્નદાતાઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેડૂતોના ભારે વિરોધને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો.

પાણીના નિકાલના આયોજનમાં ખેડૂતો પર 'દમન'નો આક્ષેપ

મળતી માહિતી મુજબ, ચાંગોદર, ચાચારવાડી વાસણા અને ગેલોફ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ડરણ ગામના ખેતરોની વચ્ચેથી લાઈન નાખવાનું આયોજન કરાયું હતું. જોકે, સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા તેમને કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી કે નથી કોઈ વળતરની વાત કરવામાં આવી. તંત્રએ ખેડૂતોની સંમતિ વિના જ સીધા ખેતરોમાં પાઈપલાઈન નાખવાની તૈયારીઓ શરૂ કરી દેતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેને તંત્રનું દમન ગણાવ્યું હતું.

કલાકો સુધી ભારે હોબાળો, સાણંદ-ચાંગોદર પોલીસ દોડી આવી

ખેડૂતો દ્વારા પોતાની જમીન બચાવવા માટે છેલ્લા કલાકો સુધી સ્થળ પર જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જનતાનો ભારે આક્રોશ અને પરિસ્થિતિ તંગ બનતી જોઈને તાત્કાલિક સાણંદ અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. આખું ગામ અને ખેડૂતો એક થઈને વિરોધમાં જોડાતા વાતાવરણ ગંભીર બની ગયું હતું.

આ પણ વાંચો: નસવાડીમાં તલાટી અને TDO સામસામે: તલાટી પ્રમુખની બદલીથી વિવાદ, લાંચના આક્ષેપોથી રાજકારણ ગરમાયું

અધિકારીઓ આજીજી કરતા જોવા મળ્યા, હાલ પૂરતી કામગીરી બંધ

વિવાદ વધુ વકરતા સાણંદ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. એક તબક્કે ઉચ્ચ અધિકારીઓ આક્રોશિત ખેડૂતોને રિઝવવા માટે આજીજી અને સમજાવટના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા. અંતે, ખેડૂતોની એકતા અને ભારે વિરોધ સામે નમતું જોખીને સિંચાઈ વિભાગને હાલ પૂરતી પાઈપલાઈન નાખવાની કામગીરી બંધ રાખવાની ફરજ પડી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે ન્યાય અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી તેઓ પોતાના ખેતરમાંથી લાઈન પસાર કરવા દેશે નહીં.