જામનગરમાં આવતીકાલે સાંજે સંવત્સરીની ઉજવણી કરાશે : ગુરૂવારે તપસ્વીઓના પારણા થશે
Jamnagar : જામનગરમાં ગત તા.20 ઓગસ્ટથી શરૂ થયેલા જૈનોના પાવનકારી પર્યુષણ પર્વના ધાર્મિક આયોજનો હવે અંતિમ ચરણમાં છે. અને આવતીકાલે વીશા શ્રીમાળી તપગચ્છ સંઘમાં તા.27મીની સાંજે પંન્યાસજી ગીતાર્થરત્નવિજયજી મહારાજ અને પંન્યાસ હિતાર્થરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં સાવંત્સરિક પ્રતિક્રમણ અને તા.28મીના ગુરુવારે તપસ્વીઓના પારણા અને ત્યાર બાદ બપોરે પ્રભુજીની તપસ્વીઓ સાથેની રથયાત્રા યોજાનાર છે. જેમાં ગુરુ ભગવંતોની નિશ્રા રહેશે. તેમજ મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.
પર્યુષણ પર્વ દરમિયાન શહેરના તમામ ઉપાશ્રયોમાં ધાર્મિક વ્યાખ્યાનો તેમજ શહેરમાં આવેલા ચાંદી બજારના મુખ્ય દેરાસરજી, શેઠશ્રીજી-દેરાસરજી, મોટા દેરાસર, ઓશવાળ કોલોની, કામદાર કોલોની, પેલેસ, પટેલકોલોની શેરી નંબર-6 માં આવેલા દેરાસરોમાં આદિનાથ દાદા, પાર્શ્વનાથજી, મહાવીર ભગવાન સહિતના તિર્થંકરોની પ્રતિમાઓને વિવિધ આંગી (અંગરચના)ના શણગાર કરવામાં આવ્યા હતા. રાત્રે 9 પછીથી ભાવના ભણાવવાનો ધાર્મિક સત્સંગ યોજાયો હતો. આવતીકાલે તા.27ના બુધવારની સવારે જ્યોતિ-વિનોદ ઉપાશ્રય, પાઠશાળા ખાતે સવારે 8 વાગ્યે બારસા સુત્ર ગ્રંથની અષ્ટપ્રકારી પુજા અને ગ્રંથનું વાંચન થશે. બપોરે 3 વાગ્યે સુત્રના ઘીની બોલી બોલાશે તેમજ સાંજે 4:30 વાગ્યે સામુહિક પ્રતિક્રમણ સાથે સાવંત્સરિક ક્ષમાપના યોજાશે. ત્યાર બાદ પર્યુષણના નવમા દિવસે તા.28ના ગુરુવારે સવારે તપસ્વીઓના 64 પહોરી પૌષધના સમુહ પારણા અને બપોરે 2:30 વાગ્યે ચાંદી બજારથી પ્રભુજીની રથયાત્રા યોજાશે. જે દેરાસરોની પ્રદક્ષિણા બાદ સંપન્ન થશે.