Gujarat

સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ

By GS TEAM
14 Aug 20252 mins read
સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ

મીઠાઈ ફરસાણનાં કુલ 23 સેમ્પલ લેબટેસ્ટીંગ માટે રવાના

જિલ્લા ફૂડ વિભાગે ભાવનગરથી ૭૯ અને બોટાદમાંથી 18 ખાદ્ય સામગ્રીના નમૂના લીધા

ભાવનગર: જિલ્લા ફુડ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાંથી કુલ ૭૯ અને બોટાદમાંથી કુલ ૧૮ નમુના લેવાયા હતા જેમાં મીઠાઈ ફરસાણનાં કુલ ૨૩ નમુનાનો સમાવેશ થાય છે. દરમ્યાન ગત માસમાં અગાઉ સબસ્ટાન્ડર્ડ થયેલ સિહોરનાં મોળો માવ અને ગાયના દૂધમાંથી ફોરેન ફેટ મળી આવતા કેસ ચાલી જતા બન્ને પેઢીને એક લાખનો દંડ ફટકારાયો હતો.

જિલ્લાના ફુડ વિભાગ દ્વારા સિહોરમાં આવેલ ન્યુ માળી પેડાવાળાને ત્યાંથી ઓકટો ૨૦૨૪માં મોળા માવાનું સેમપલ મેળવ્યું હતું જે સબસ્ટાન્ડર્ડ સાબિત થયુ હતું. જ્યારે જાન્યુ. ૨૫માં સિહોરની ગુડલક ડેરીમાંથી ગાયના લુઝ દૂધનું સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યું હતું. જે બન્ને કેસમાં દૂધ સિવાયનાં ફેટની હાજરી મળી આવતા ઉક્ત બન્ને કેસ તાજેતરમાં એજ્યુડીકેટીંગ ઓફીસર સમક્ષ ચાલી જતા ન્યુ માળી પેંડાવાળાને ૫૦ હજાર અને ગુડલક ડેરીને ૫૦  હાજરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ગત માસ દરમ્યાન ફુડ ઈન્સપેકટરોએ ભાવનગરમાંથી વિવિધ ખાદ્યસામગ્રીના ૭૯ અને બોટાદ જિલ્લામાંથી ૧૮ નમુના એકત્ર કરી લેબોરટરી ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા હોવાનું જણાયું છે. 

- પાલિતાણામાં 10 ડબા બળી ગયેલા તેલનો નાશ

જિલ્લા ફુડ વિભાગની વાન દ્વારા વિવિધ ખાણીપીણીની લારી, ઢાબા, હોટલો, દુકાનો પર ઓન ધ સ્પોટ ચેકીંગ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત પાલીતાણા સ્થિત મહેતા ડેરીમાં તપાસ કરતા ફરસાણ માટે એકવાર યુઝ થઈ ચુકેલુ બળેલુ તેલ જેના ૧૦ ડબાનો સ્ટોક મળી આવતા અધિકારી દ્વારા સ્થળ પર તેનો નાશ કરાયો હતો.