શ્રાવણ માસમાં બહારની ફરાળી વાનગી આરોગી ઉપવાસ કરનારા માટે લાલબત્તી : ફરાળી વાનગી અને ફરસાણનું એક જ તેલ
image : Social media
Surat Sharvan Special : શ્રાવણ માસમાં અનેક લોકો ઉપવાસ કરે છે અને ઉપવાસમાં ફરાળી વાનગી આરોગે છે. લોકોની ડિમાન્ડને લઈને સુરતના ફરસાણ બજારમાં અવનવી ફરસાણની વાનગીનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ કેટલાક ફરસાણના વેપારીઓ જે તેલમાં અન્ય ફરસાણ તળે છે તે જ તેલમાં ફરાળી વાનગી તળીને ઉપવાસીઓને આપી રહ્યાં છે. આવી રીતે ફરાળી વાનગીનું વેચાણ થતું હોવાથી ઉપવાસનો કોઈ અર્થ રહેતો નથી. કેટલાક વેપારીઓ ફરાળી વાનગી માટે જુદા વાસણ રાખે છે પરંતુ મોટા ભાગના વેપારીઓ એક જ તેલમાં ફરાળી વાનગી તળીને આપતા હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસમાં અનેક શ્રદ્ધાળુઓ ઉપવાસ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વખતથી યંગસ્ટર્સમાં ઉપવાસનું પ્રમાણ વધ્યું છે. કાયમ ફાસ્ટ ફૂડ ખાતા યંગસ્ટર્સ માટે ઉપવાસમાં ભુખા રહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત આજની દોડધામવાળી જીંદગીમા અન્ય લોકોને પણ ઉપવાસમાં ફરાળ કરવો પડી રહ્યો છે.
લોકોના ઘરોમાં ઉપવાસની વાનગી ઓછી બનતી હોવાથી લોકો બજારમાંથી પેકીંગમા મળતી કે ફરસાણની દુકાને મળતી ફરાળી વાનગી આરોગી ઉપવાસ કરી રહ્યાં છે. પરંતુ મોટા ભાગના ફરસાણની દુકાન ધરાવતા વેપારી પાત્રા, પેટીસ કે સમોસા અથવા ભજીયા જેવી બિન ઉપવાસી વસ્તુઓ તળે છે તે તેલમાં તેઓ ફરાળી વાનગી તળીને ઉપવાસીઓને પીરસી રહ્યાં છે. જોકે, કેટલાક વેપારીઓ ઉપવાસ ફરાળી વાનગી માટે અલગ વાસણ રાખે છે પરંતુ આવા વેપારીઓની સંખ્યા ઘણી ઓછી છે. જેના કારણે શ્રધ્ધાથી ઉપવાસ કરતાં ઉપવાસીઓ અજાણતાથી ફરસાણ તળે તે જ તેલમાં તળેલી ફરાળી વાનગી આરોગી રહ્યાં છે.