Get The App

એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો 1 - image

Gujarat High Court: બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક અત્યંત ચકચારભર્યા અને વિચિત્ર કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીના પરિજનોના વિરોધને કારણે ખુદ પત્નીએ પોતાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પતિના શરતી આગોતરા જામીન મંજૂર કર્યાં છે.

પત્નીની સંમતિથી થયેલું કૃત્ય: હાઇકોર્ટ

જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ પોતાના હુકમમાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, 'આ કેસમાં ફરિયાદી પત્નીની સંમતિથી થયેલું જ આ કૃત્ય હતું એમ પ્રથમદર્શનીય રીતે જણાઈ આવે છે, તેથી પતિની આવા કેસમાં કોઈ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર રહેતી નથી.' કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓ, જેમ કે બંને એક જ જ્ઞાતિના છે, પરિચય બાદ પ્રણય સંબંધ બંધાયો હતો અને લગ્ન થયા હતા તેના સંબંધિત દસ્તાવેજોને ધ્યાનમાં લીધા હતા.

ખોટી ફરિયાદ નોંધાવવાનો ઘટસ્ફોટ

અરજદાર પતિ તરફથી હાઈકોર્ટ સમક્ષ કરાયેલી આગોતરા જામીન અરજી (સીઆરએમએ નંબર-19237/2025)માં ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અરજદાર અને ફરિયાદી પત્ની એકબીજાની સંમતિથી ઘરેથી ભાગી ગયા હતા. ગત 13-6-2025ના રોજ અમદાવાદમાં તેમણે લગ્ન કરી લીધા હતા. જો કે, 19-6-2025ના રોજ પત્નીના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેઓ પત્નીને બળજબરીપૂર્વક લઈને જતા રહ્યા હતા. આ લગ્ન સામે વાંધો હોવાથી પરિજનોએ અરજદાર પતિ સામે 2-7-2025ના રોજ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી!

પતિ પત્ની પર દુષ્કર્મ કેવી રીતે કરી શકે?

અરજદાર પતિ તરફથી હાRકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે, 'એક પતિ પોતાની પત્ની પર દુષ્કર્મ કેવી રીતે કરી શકે અને એ પણ જ્યારે બંનેના પ્રેમ લગ્ન થયા હોય?' પતિએ લગ્નના ફોટોગ્રાફ્સ અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર સહિતના જરૂરી પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને પુરાવાઓની વિસ્તૃત તપાસ ટાળીને, કેસના સંજોગોને ધ્યાને રાખીને અરજદાર પતિના શરતી આગોતરા જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો હતો.