એક જ પંડિત-એક જ મંદિર : સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 બનાવટી લવ-મેરેજ રજિસ્ટર્ડ
Fake Marriage in Banaskantha: ગુજરાતમાં પ્રેમલગ્નની ખોટી રીતે નોધણી કરવાનુ સુવ્યવસ્થિત રીતે ષડયંત્ર ચાલી રહ્યુ છે જેનો પર્દાફાશ કરાયો છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 પ્રેમ લગ્ન નોધાયાં છે જેના દસ્તાવેજોની ચકાસણી કરાતાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, એક જ પંડિત અને એક જ મંદિરમાં આ બધાય પ્રેમલગ્ન થયાં છે. જે શંકા ઉપજાવે તેમ છે. આ મુદ્દો ઉઠતાં જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.
બનાસકાંઠામાં પ્રેમલગ્ન નોંધણીમાં સ્થળ, સાક્ષી, બઘુ બનાવટી
પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર કરવા પાટીદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. હાલ ઉત્તર ગુજરાતમાં પાટીદારો રેલી યોજીને જનજાગૃતિ કેળવવા પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન એ વાતનો પર્દાફાશ કરાયો છેકે, ડીસા તાલુકાના સમૌ ગામમાં ગ્રામ પંચાયતમાં લગ્નની ખોટી નોધણી થઇ રહી છે. પંચાયતના રેકોર્ડની તપાસ કરતાં એવો ખુલાસો થયો છેકે, આ ગામમાં વર્ષ 2020 અને વર્ષ 2021માં કુલ 159 લગ્નની નોંધણી થઈ હતી. માત્ર વર્ષ 2021માં જ 133 લગ્ન નોધાયા હતાં. લગ્ન નોંધણીનો આ આંકડો અસામાન્ય રીતે વધુ હતો જે શંકા ઉપજાવે તેમ છે.
તેમાંય એવી વાત બહાર આવી કે, વર્ષ 2021માં સમૌ ગામના તલાટીની બદલી થઈ તે પછી લગ્ન નોધણીનો આંકડો એકદમ ઘટી ગયો હતો. આ પરથી એ વાત નક્કી છેકે, લગ્ન નોંધણીમાં કઇંક ગરબડ છે. પાટીદાર યુવા નેતા વરુણ પટેલે દાવો કર્યો કે, સુવ્યવસ્થિત રીતે આખુય કૌભાંડ ચાલી રહી છે જેમકે, સામાન્ય સાક્ષી, સ્થળ, બઘુય બનાવટી. આ ઉપરાત મોટાભાગના લગ્ન નોધણીમાં લગ્ન સ્થળમાં ભગવાનપુરાના જોગમાયા માતા મંદિર દર્શાવાયુ છે.
ગ્રામજનો કહે છેકે, આ મંદિરમાં ક્યારેય લગ્ન થયા નથી. જ્યારે લગ્ન કરાવનાર પંડિત તરીકે પાલનપુરના મુકેશભાઇ શાસ્ત્રીનું નામ લખાય છે. આ મુદ્દે ગ્રામજનોના નિવેદન લેતાં જાણ થઇકે, લગ્ન નોધણી ખોટી છે. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપનિલ ખરેએ તપાસના આદેશ આપ્યાં છે. આ અગાઉ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ખોટી લગ્ન નોધણીનો પર્દાફાશ કર્યો હતો.